ગુજરાત
News of Wednesday, 19th May 2021

ભરૂચમાં હાંસોટ પરિવારે લગ્ન કરવાની જીદ કરતા શેલ્ટર હોમમાં કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે દંપત્તિના લગ્ન કરાવાયા

ભરૂચ: તૌકતે વાવાઝોડા વચ્ચે લગ્ન થયાની ઘટના સામે આવી છે. વાવાઝોડાના આતંક વચ્ચે કાંઠાના કંટીંયાજાળ પોલીસ અને વહીવટી તંત્રએ મળીએ એક યુગલના લગ્ન કરાવ્યા હતા. આમ પોલીસે મિત્ર બનીને નવદંપતીની ઈચ્છા પૂરી કરી હતી, અને તેમની મદદ કરી હતી.

તૌકતે વાવાઝોડાની દહેશત વચ્ચે હાંસોટ તાલુકાના કંટીંયાજળ ગામે અસરગ્રસ્ત નવદંપતીને પ્રભુતામાં પગલાં પાડવામા મદદ કરનાર વહીવટી તંત્ર અને પોલીસ તંત્રએ નોખી માનવતાનો દાખલો બેસાડ્યો છે. તૌકતે વાવાઝોડાની દહેશત વચ્ચે પોલીસ અને વહીવટી તંત્રએ તાલુકાના પાંચ ગામો અને આલિયાબેટના 600 જેટલા અસરગ્રસ્તોને ગામની શાળાઓમાં ખસેડ્યાની કામગીરી કરી હતી. પરંતુ વચ્ચે એક અજીબ ઘટના બની હતી. ગઈકાલે કંટીયાજાળના શેલ્ટર હોમ ખાતે અસરગ્રસ્તોને રાખવામાં આવ્યા હતા, જ્યાં એક અસરગ્રસ્ત પરિવાર પોતાનાં ઘરે પરત જતું રહ્યું હતું.

બાબતની જાણ થતા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર ઘરે દોડી ગયું હતુ. અંગે તપાસ કરતાં તેઓના ફળિયામાં લગ્ન પ્રસંગ હોય તેઓ પોતાના ઘરે પરત ફર્યા હતા તેવુ તેમણે જણાવ્યું હતું. વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તેઓને સમજાવવાના અથાગ પ્રયાસ કર્યા હતા. પરંતુ તેઓ લગ્નપ્રસંગ ટાળવા માંગતા હતા. તેથી પોલીસ દ્વારા એક રસ્તો શોધી કઢાયો હતો. પરિવારને સમજાવીને શેલ્ટર હોમ ખાતે લગ્ન કરાવી આપવાની ખાતરી આપી હતી.

આમ, આખો પરિવાર શેલ્ટર હોમ પરત ફર્યો હતો. અહી વહીવટી તંત્ર અને પોલીસ તંત્રની હાજરીમાં નવ દંપતી રેખાબેન નરસિંહ ભાઈ રાઠોડ (રહેવાસી કંટ્યાજાળ, તાલુકો હાંસોટ) અને નિલેશભાઈ રતિલાલ રાઠોડ (રહેવાસી સરોલી, તાલુકો ઓલપાડ) ના લગ્ન કરાવ્યા હતા. જાહેરનામા મુજબ ગાઇડલાઇનનું પાલન કરાવી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરાવીને લગ્ન સંપન્ન કરાવ્યા હતા. આમ વહીવટી તંત્ર અને પોલીસ તંત્રએ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

(4:50 pm IST)