ગુજરાત
News of Saturday, 19th June 2021

ગાંધીનગર : કપરાકાળમાં મૃત્‍યુ પામેલા રાજયના ૪પ ધારાશાસ્‍ત્રીઓના વારસદારોને ૧ લાખ લેખે ૪પ લાખ ચુકવવાનો નિર્ણય કરતુ ગુજરાત બાર કાઉન્‍સીલ

અગાઉ ૧૬ ધારાશાસ્‍ત્રીઓને કોવીડ મૃયુ સહાય કરાઇ હતી

ગાંધીનગર:  કપરાકાળમાં મૃત્યુ પામેલા ગુજરાતના 45 ધારાશાસ્ત્રીઓના વારસદારોને એક લાખ લેખે 45 લાખ રૂપિયા ચૂકવવાનો ગુજરાત બાર કાઉન્સિલની એડમીનીસ્ટ્રેટીવ કમિટી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. અગાઉ 16 જેટલાં ધારાશાસ્ત્રીઓને કોવિડ મૃત્યુ સહાય ચુકવવામાં આવી હતી.

ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન હીરાભાઇ પટેલ, વાઇસ ચેરમેન શંકરસિંહ ગોહિલ, એડમીનીસ્ટ્રેટીવ કમિટીના સભ્ય અનિલ સી. કેલ્લાં, એકઝીકયુટિવ કમિટીના સભ્ય દિપેન દવે સહિતનાઓની એડમીનીસ્ટ્રેટીવ કમિટીની મીટીંગ યોજવામાં આવી હતી. આ મીટીંગમાં છેલ્લાં ચાર માસમાં મુત્યુ પામેલા ગુજરાતના 141 ધારાશાસ્ત્રીઓ પૈકી કોરોનામાં મુત્યુ પામેલા 70 ધારાશાસ્ત્રીઓની અરજી તાકીદે હાથ ધરવામાં આવી હતી. જેમાં 45 જેટલા ધારાશાસ્ત્રીઓ જેઓ ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડના સભ્ય હતા. તેમ જ તેમના વારસદારો દ્વારા જ કોવિડ મૃત્યુ સહાયની અરજી કરવામાં આવી હતી. અને મૃત્યુ સહાયની અરજીમાં તમામ વિગતોની પૂર્તતા કરવામાં આવી હોય તેવા 45 ધારાશાસ્ત્રીઓને તાકીદે દરેકને રૂપિયા 1 લાખ મૃત્યુ સહાય ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાત બાર કાઉન્સિલના ઇન્ચાર્જ સેક્રેટરી પી.એમ. પરમારે વધુમાં જણાવ્યું છે કે, ગુજરાત બાર કાઉન્સિલના રોલ પર નોંધાયેલા 2265 જેટલાં ધારાશાસ્ત્રીઓને અત્યાર સુધી ત્રણ કરોડ મૃત્યુ સહાય ચુકવવામાં આવી છે. આ સિવાય બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મુત્યુ સહાયની તમામ અરજીઓ હવે પછીની મીટીંગમાં હાથ ધરાશે તેમ જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો હતો. જેના કારણે ગુજરાતમાં ઉત્તરોત્તર કોરોનાના કેસોમાં વધારો થયો હતો. જેમાં હોમ કવોરોન્ટાઇન થયેલા તેમજ હોસ્પિટલમાં દાખલ થઇને કોરોનાની સારવાર લેનારા વકીલોને પણ ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા આર્થિક સહાય ચુકવવામાં આવી હતી. અને આ કોરોનામાં મૃત્યુ પામેલા વકિલોને અલગથી સહાયની રકમ ચુકવવામાં આવી હતી.

(9:55 pm IST)