ગુજરાત
News of Saturday, 19th June 2021

અમદાવાદની 'ધ મેટ્રોપોલ' હોટલ દ્વારા વેરો ભરવામાં ગેરરીતિ:સ્ટેટ GST ટીમે 64.21 લાખનો દંડ વસુલ્યો

હોટેલ દ્વારા ખરેખરમાં થયેલ લિકર વેચાણ કરતા 71.38 લાખનું ઓછું વેચાણ રીટર્ન બતાવાયું !

અમદાવાદ : શહેરના સુભાષબ્રિજ વિસ્તારમાં આવેલી ધ મેટ્રોપોલ હોટલ દ્વારા બેંકવેટ, રૂમ્સ, ડાઈન ઈન તેમજ પાર્સલની સુવિધા આપવામાં આવે છે, સાથે જ ધ મેટ્રોપોલ હોટલ પાસે લિકર વેચવાનો પણ પરવાનો છે, જેને કારણે આ હોટેલ દ્વારા પરવાના ધારક શહેરીજનોને લિકર પૂરું પાડવામાં આવે છે.

જેને લઈને સ્ટેટ GST ટીમ દ્વારા લિકર વેચાણના રીટર્નની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં લિકરનું ઓછું વેચાણ થયું હોવાનું રીટર્નમાં બતાવવામાં આવ્યું હોવાની શંકા સ્ટેટ GSTના અધિકારીઓને ગઈ હતી. શંકાને દૂર કરવા માટે સ્ટેટ GSTના અધિકારીઓ દ્વારા હોટેલ પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમ્યાન સ્ટેટ GSTની ટીમને ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

જેમાં ખરેખરમાં થયેલ વેચાણ અને રીટર્નમાં દર્શાવવામાં આવેલ વેચાણમાં મોટો તફાવત હતો. જેથી સ્ટેટ GST વિભાગના અધિકારીઓ દ્વારા હોટેલના ખાતાકીય ડોક્યુમેન્ટ ઊંડાણ પૂર્વક ચકાસ્યા હતા, જેમાં જાણવા મળ્યું કે ધ મેટ્રોપોલ હોટેલ દ્વારા ખરેખરમાં થયેલ લિકર વેચાણ કરતા 71.38 લાખનું ઓછું વેચાણ રીટર્ન બતાવવામાં આવ્યું હતું.

જેથી તેમને આટલી રકમ પર ઓછો ટેક્સ ચૂકવવો પડે. આ ઉપરાંત GST કાયદા અન્વયે મળવા પાત્ર ન હોય તેવી કેપિટલ ગુડ્સની પણ વેરાશાખ ખોટી રીતે મેળવી હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને સ્ટેટ GST વિભાગ દ્વારા 64.21 લાખનો દંડ સ્થળ પરથી વસુલ કરવામાં આવ્યો.હતો

(10:46 pm IST)