ગુજરાત
News of Saturday, 19th June 2021

સુરતીઓ વિકેન્ડમાં હવે નહીં માણી શકે ડુમસ બીચનો આનંદ:લોકો માટે બંધ રાખવા નિર્ણય

ડુમસમાં લોકો વીકેન્ડમાં ફરવા માટે વધારે જાય છે તેનાથી કોરોના ગાઈડલાઈન તેમજ નિયમ ભંગ થતો હોય પ્રતિબંધ જરૂરી: સુરત મનપા

સુરત : રાજ્યમાં હવે કોરોના કેસ ઘટતા ધીમે ધીમે બધું ખૂલું કરવામાં આવી રહ્યું છે . ત્યારે સુરતીઓ માટે એક માઠા સમાચાર છે કે તેઓ વીકએન્ડમાં પણ ડુમસ બીચ હરવા ફરવા જઈ નહિ શકે.. સુરત મહાનગરપાલિકાનુંકહેવું છે કે ડુમસમાં લોકો વીકેન્ડમાં ફરવા માટે વધારે જાય છે અને તેનાથી કોરોના ગાઈડલાઈન તેમજ નિયમ ભંગ થાય છે. જેથી પ્રતિબંધ જરૂરી છે. જેથી આજથી વીકેન્ડમાં ડુમસ બીચ લોકો માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પાલિકાના આ નિર્ણયને કારણે શનિ-રવિમાં ફરવા જતા લોકો અને સ્થાનિક દુકાનદારો અને નાનો મોટો ધંધો કરતા ધંધાર્થીઓની હાલત કફોડી બની છે. કોરોનાની મહામારી બાદ અનલોકમાં માંડ માંડ લોકોના ધંધા રોજગાર શરૂ થયા છે. સુરતમાં ખાસ કરીને શનિ-રવિની રજામાં ધંધાદારીઓની કમાણી વધારે થતી હોય છે તેવામાં સુરત ડુમસ બીચ સુરતીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

પાલિકાએ જાહેરાત કરી છે કે લંગર થી ડુમસ જવાનો રસ્તો અને તેની આજુબાજુના વિસ્તાર તથા ડુમસ બીચ બીજી સૂચના ન મળે ત્યાં સુધી દર શનિવારે અને રવિવારે તેમજ જાહેર રજાના દિવસે અને તહેવારોના દિવસે તમામ લોકોની અવર-જવર માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

(12:26 pm IST)