વડોદરાના લાલબાગ ગાર્ડન નજીક હોટલ સંચાલકને આંતરી ત્રણ અજાણ્યા શખ્સો 62 હજારની મતા લૂંટી છૂમંતર......
વડોદરા:શહેરના લાલબાગ ગાર્ડન નજીક એક્ટિવા સવાર હોટલ સંચાલકને આંતરી ત્રણ અજાણ્યા બાઇક સવાર ઈસમોએ માર મારી મોબાઈલ ફોન સહિત રૂપિયા 62 હજારની મતાની લૂંટ ચલાવી નાસી છૂટયા હોવાનો બનાવ મકરપુરા પોલીસ મથકે નોંધાયો છે. બનાવ સંદર્ભે પોલીસે અજાણ્યા ત્રણ શખ્સો વિરૂદ્ધ લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે.
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા આયુષ ભાઈ ત્રિપાઠી વીઆઈપી રોડ ઉપર અને માંજલપુર ગામ ખાતે હોટલ ચલાવે છે ગુરૂવારે તેઓ ન્યુ વીઆઇપી રોડ પર આવેલી રેસ્ટોરન્ટ થી સાંજના સુમારે માંજલપુર ખાતેની રેસ્ટોરન્ટ ઉપર જવા માટે નીકળ્યા હતા તે દરમિયાન પ્રતાપ નગરથી માંજલપુર નાકા તરફના સર્વિસ રોડ ઉપર બે મોટરસાયકલ ઉપર સવાર ત્રણ અજાણ્યા શખ્સો એ તેમને રોકી એકટીવાની ચાવી કાઢી લીધી હતી અને ઝપાઝપી કરી ગડદાપાટુનો મારમારી મોબાઇલ ફોનની લૂંટ ચલાવી નાસી છૂટયા હતા. રૂપિયા 60 હજારની કિંમતના મોબાઈલ ફોનના કવર પાછળ રોકડા રૂપિયા 2000ની નોટ પણ મૂકી હતી. આમ બાઈક સવાર અજાણી ત્રિપુટી 62 હજારની મત્તાની લૂંટ ચલાવી નાસી છુટી હતી. ફરિયાદના આધારે મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે