ગુજરાત
News of Saturday, 19th November 2022

પીએમ મોદીની મુલાકાત પહેલા કારેલીબાગ વિસ્તારમાં અનેક સોસાયટીઓ બહાર NO VOTE ના બેનર લાગ્યા

 સ્થાનિકોએ પોસ્ટરમાં અનેક દબાણોથી પીડિત હોવાનો ઉલ્લેખ કર્યો : કોર્પોરેટર ભાજપના જ હોવાને કારણે આગામી ચૂંટણીમાં આ સમસ્યા દુર નહિ થાય તો અસર પડી શકે

વડોદરા :ગુજરાતમાં ચૂંટણીનો માહોલ દિવસેને દિવસે જામી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આપ તમામે ચૂંટણી પ્રચાર માટે સ્ટાર કેમ્પેઇનની આખેઆખી ફોજ ઉતારી દીધી છે. તેવામાં 23 મી નવેમ્બરના રોજ વડાપ્રધાન મોદીની વડોદરાની સંભવિત મુલાકાતને લઇને સ્થાનિક તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે બીજી તરફ આજે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીઓ બહાર NO VOTE ના બેનર મારી દેવામાં આવ્યા છે. સ્થાનિકોએ પોસ્ટરમાં અનેક દબાણોથી પીડિત હોવાનો ઉલ્લેખ કર્યો છે.

વડાપ્રધાન ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યાર બાદ તેઓ 23 મી નવેમ્બરના રોજ વડોદરાની મુલાકાત લે તેવી શક્યતાઓ હાલ વર્તાઇ રહી છે. જેને ધ્યાને રાખીને સ્થાનિક તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વચ્ચે આજે શહેરવા કારેલીબાગ વિસ્તારમાં અનેક સોસાયટીઓની બહાર NO VOTE ના બેનર મારવામાં આવ્યા છે. જેને કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જો કે, વડાપ્રધાનની વડોદરા મુલાકાત અંગે હજી સુધી કોઇ સત્તાવાર જાણકારી પ્રાપ્ત થઇ નથી. આ વિસ્તારમાં ચૂંટાઇને આવેલા કોર્પોરેટર ભાજપના જ હોવાને કારણે આગામી ચૂંટણીમાં આ સમસ્યા દુર નહિ થાય તો અસર પડી શકે તેમ છે. હવે લોકોની સમસ્યા સામે તંત્ર દ્વારા શું પગલા લેવામાં આવે છે તે જોવું રહ્યું.

આ વિસ્તારનો એક ભાગ રાવપુરા વિધાનસભા અને અન્ય ભાગ શહેર વાડી વિધાનસભા બેઠકમાં આવતો હોવાનું રાજકીય સુત્રોએ ઉમેર્યું છે

બેનરમાં લખવામાં આવેલું લખાણ નીચે મુજબ છે.

NO VOTE

કારેલીબાગ પાણીની ટાંકીથી હાથીખાના રોડ પર થતા લારી ગલ્લા તથા શાકભાજી માર્કેટના દબાણો તાત્કાલિક ધોરણે ન હટાવાય તો નીચેની સોસાયટીના પીડિત રહીશો દ્વારા આવતી તમામ ચૂંટણીઓમાં પોતાના મત આપવાના અધિકારથી દુર રહેવાનું નક્કી કરેલ છે.

ખાસ નોંધ : કોઇ પણ પક્ષના નેતાઓએ મત માંગવા સોસાયટીમાં પ્રવેશ કરવો નહિ

કલાકુંજ – 2, કલાકુંજ – 3, હરિકૃપા, અજીતનાથ, કૃષ્ણકુંજ, શુકન – 3, નિર્વાણ ફ્લેટ, ધનલક્ષ્મી સોસાયટીના પીડિત રહીશો

(8:25 pm IST)