ગુજરાત
News of Friday, 20th January 2023

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વરમાં મૂર્તિપ્રતિષ્ઠા પ્રસંગે દિવ્ય મહાવિષ્ણુયાગનું આયોજન

ઊના, દ્રોણેશ્વર તા. ૨૦ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ SGVP અમદાવાદ દ્વારા સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે તારીખ ૧૪ થી ૧૮ જાન્યુઆરી દરમિયાન ભવ્ય મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો.

ભગવાન શ્રીરામ-શ્યામ-ઘનશ્યામ મહારાજની મૂર્તિઓનું અહીં સ્થાપન થયું. સ્થાપન પૂર્વે બિંબ શુદ્ધિ અર્થે શ્રીમહાવિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું હતું. દક્ષિણ ભારતના વિદ્વાન પંડીતોએ પંચરાત્ર શાસ્ત્રને અનુસરીને પાંચ દિવસ સુધી અનેકવિધ વૈદિક વિધિઓ કરી હતી.

યજ્ઞના પ્રારંભમાં અરણીકષ્ટના મંથન દ્વારા પવિત્ર અગ્નિ પ્રગટાવવામાં આવ્યો હતો, જેની યજ્ઞકુંડમાં સ્થાપના કરવામાં આવી હતી. જેમાં સૃષ્ટિના ઈશ્વરો, દેવતાઓના આવાહન તથા મંત્રોચ્ચાર સાથે આહુતિઓ આપવામાં આવી હતી. વિવિધ વિધિઓ સાથે ભગવાનની મૂર્તિઓનો ધાન્યાધિવાસ, જલાધિવાસ, પુષ્પાધિવાસ, ફલાધિવાસ, ક્ષીરાધિવાસ, રત્નાધિવાસ થયો હતો.

યજ્ઞશાળાના આચાર્ય શ્રીરામપ્રિયજીની નિશ્રામાં યોજાયેલ પ્રતિષ્ઠા યજ્ઞમાં મૂર્તિના યજમાનો તથા સંતોએ ખૂબ ભાવથી હોમ કર્યો હતો. ઉપરાંત પચીસ કુંડી શ્રીમહાવિષ્ણુયાગમાં પણ ત્રણ દિવસ સુધી યજમાનોએ ભગવાનને આહુતિઓ અર્પણ કરી હતી.

એસજીવીપીના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજી એ જણાવ્યું હતું કે સંપૂર્ણ વૈદિક વિધિ સાથે થતી મૂર્તિ સ્થાપના અને યજ્ઞની વિધિ-વિધાનના અલૌકિક દર્શન ક્યારેય ન ભૂલાય એવા હોય છે.          –

(1:30 pm IST)