ગુજરાત
News of Saturday, 20th February 2021

પેટ્રોલનો ભાવ 100 રૂપિયા થાય તો પંપ માલિકોની વધશે મુશ્કેલી : મશીનમાં ત્રણ ડિજિટમાં ભાવ દેખાતા નથી

ત્રણ આંકડામાં રેટ ડિસ્પ્લે થઇ શકે તેવા મશીન જ નથી: ગુજરાતમાં 1000થી વધુ પંપમાં મુશ્કેલી થઈ શકે

અમદાવાદ : પેટ્રોલના ભાવ અત્યારે સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે અને જેના કારણે સામાન્ય લોકો પરેશાન છે. જે રીતે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે તેના કારણે હવે પંપ માલિકો પણ ચિંતામાં મુકાયા છે. જોકે તેમની ચિંતાનું કારણ કઈક જુદું છે. ગુજરાતમાં હાલમાં પંપ પર ભાવ દર્શાવવા માટે જે ડિજિટલ યુનિટ સિસ્ટમ છે તેમાં રૂ. 99.99 સુધીના આંકડામાં જ ભાવ દેખાડી શકાય છે. હાલના સંજોગોએ ભાવ ટૂંક સમયમાં રૂ. 100 પ્રતિ લિટર થઈ જશે તેવું બધા માની રહ્યા છે અને જો આમ થશે તો વર્તમાન સિસ્ટમના કારણે પંપ મશીન ત્રણ આંકડાનો ભાવ બતાવી શકશે નહીં.
અત્યારે મોટાભાગના પંપમાં 4 ડિજિટ આંકડામાં જ ભાવ દેખાય છે એટલે કે પોઈન્ટ પહેલા બે અને પોઈન્ટ પછી બે આંકડા દેખાય છે. આ રીતે જો ભાવ રૂ. 100 થાય તો પણ ભાવ માત્ર રૂ. 99.99 જ દેખાશે કેમ કે પોઈન્ટ પહેલા ત્રણ આંકડા બતાવી શકાય તેવી સિસ્ટમ જ નથી. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે આગળના આંકડા ત્રણ ડિજિટમાં બતાવવા માટે ટેક્નિકલ ફેરફાર કરવા જરૂરી છે.

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને ઇંડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ સહિતની પેટ્રોલિયમ કંપનીઓને લેખિત રજૂઆત કરી અને વર્તમાન 4 ડિજિટ યુનિટ સિસ્ટમને બદલી અને 5 ડિજિટ કરવા કહ્યું છે. પેટ્રોલિયમ ડીલર્સનું માનવું છે કે, જો સિસ્ટમમાં ફેરફાર કરવામાં ન આવે તો જ્યારે ભાવ ત્રણ આંકડા પર પહોંચે ત્યારે વેચાણમાં મુશ્કેલી ઊભી થશે.

એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યું કે, ગુજરાતમાં સરકારી અને ખાનગી પેટ્રોલિયમ કંપનીઓના મળીને 5000થી વધુ પંપ આવેલા છે. હાલની સ્થિતીએ સરકારી પંપમાં આશરે 1000 જેવા પંપ એવા છે જેમાં ભાવ ડિસ્પ્લેને લઈને આ પ્રશ્ન ઊભો થઈ શકે છે. અમે લેખિત રજૂઆત કરી છે અને આશા છે કે ટૂંક સમયમાં પેટ્રોલિયમ કંપનીઓ ટેક્નિકલ અપગ્રેડેશન કરી દેશે.

(6:06 pm IST)