ગુજરાત
News of Saturday, 20th February 2021

લોન માટે બોગસ દસ્તાવેજો રજૂ કરનારા સામે ફરિયાદ

લોન લેવા જતાં બિલાડી આડી ઊતરી હોય એવો ઘાટ : શખ્સે લોન માટે મોર્ગેજમાં બતાવેલ મિલ્કત દસ્તાવેજોની ચકાસણી દરમિયાન ભાંડો ફૂટી જતાં વેપારી ફસાયો

અમદાવાદ, તા.૨૦ : રૂપિયા બે કરોડની બિઝનેસ લોન લેવા માટે યુવકે બનાવટી દસ્તાવેજો બનાવ્યા અને બેંકમાં લોન મેળવવા માટે રજૂ કર્યા. જોકે, ભાંડો ફૂટી જતાં બેંકના મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા નવરંગપુરા બ્રાન્ચના મેનેજર અવિનાશ સિંઘે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નિખિલ ભટ્ટ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવેલી હકીકત પ્રમાણે, ૧૯મી જાન્યુઆરીએ આનંદ નગર રોડ પર આવેલા ભારદ્વાજ ઇન્ટરનેશનલના પ્રોપરાઇટર નિખિલ ભટ્ટે રૂપિયા બે કરોડની બિઝનેસ લોન લેવા માટે અરજી કરી હતી. જેના માટે દુકાન નંબર શિવ શ્યામ એસોસિયેશન, ગુલબાઈ ટેકરા, નવરંગપુરા વિસ્તારમાં આવેલી મિલકતને મોર્ગેજ તરીકે મૂકવાનુ જણાવ્યું હતુ. જેમાં પ્રોપર્ટીના માલિક તરીકેના પુરાવા નિખિલ ભટ્ટે શેર સર્ટિફિકેટ, પઝેશન લેટર, એલોટમેન્ટ લેટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રસીદો રજૂ કરી હતી.

જેમાં નિખિલ ભટ્ટનું નામ હતું. તમામ દસ્તાવેજો કેવાયસી અને બેલેન્સશીટ, જીએસટી રિટર્ન, બેંક સ્ટેટમેન્ટ અને આઈટી રિટર્ન વગેરે દસ્તાવેજો એપ્લિકેશન સાથે બેંકમાં રજૂ કર્યા હતા. જેના આધારે બેંકે લોન આપવાની તૈયારી પણ દર્શાવી હતી જોકે અંત સમયે બિલાડી આડી ઉતરી હોય તેમ લોનની જગ્યાએ પોલીસ સ્ટેશનનો ચક્કર કાપવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઈ છે.

ત્યારબાદ ફરિયાદીની બ્રાંચ ઓફીસ દ્વારા કેવાયસી દસ્તાવેજો વેરીફાઈ કરવામાં આવ્યા હતા. અને ફાઇલ તેઓના એમએસએમઈ ડિપાર્ટમેન્ટમાં પ્રોસેસ માટે મોકલી આપી હતી. જ્યાં મિલકતના વેલ્યુએશન માટે અને ટાઇટલ ક્લિયર માટે તજવીજ કરવામાં આવી હતી. જોકે મિલકતની ખરાઈ કરવા માટે વિભાગના મેનેજરે શિવ શ્યામ સોસાયટીના ચેરમેનને પત્ર લખ્યો હતો. ત્યારે તેઓને જાણ થઈ હતી કે, તેઓની સોસાયટી દ્વારા કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ ઇસ્યૂ કર્યા નથી. મિલકતના માલિક ડોક્ટર ભરત રક્ષક છે. જેથી નિખિલ ભટ્ટની લોન નામંજૂર કરી દેવામાં આવી હતી.

બાબતની જાણ નવરંગપુરા બ્રાન્ચ મેનેજરની કરવામાં આવી હતી. જેમણે નવરંગપુરા પોલીસને જાણ કરતા પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ કરી છે.

(8:46 pm IST)