ગુજરાત
News of Saturday, 20th February 2021

ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટીલે શહેર ભાજપમાંથી સુરતીઓનો એકડો ભૂંસ્યો

પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટીલની વરણીથી સુરતીઓ કપાયા : ૧૯૯૫થી ૨૦૧૦ સુધી સુરતી ગ્રુપનો આ દબદબો રહ્યો હતો પણ ધીરે ધીરે સુરતના ગોડફાધર યુગનો અંત આવ્યો

સુરત, તા.૨૦ : ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટીલની વરણી બાદ સુરતમાં મૂળ સુરતી ગ્રુપનો એકડો નીકળી ગયો છે. સુરતના એકમાત્ર સાંસદ દર્શના જરદોશના નજીક ગણાતા ત્રણેકને સુરત મ્યુનિ. ચૂંટણીમાં ટિકિટ મળી છે. બાકી સુરતી ગ્રુપના કોઇને ટિકિટ મળી નથી. સિટીંગ ધારાસભ્ય પૂર્ણેશ મોદી ગ્રુપનો પણ એકડો નીકળી જતા શાખ ટકાવવા પ્રયાસ થઇ રહ્યો છે. સુરત મ્યુનિ.માં ૧૯૯૫થી ભાજપ સત્તામાં આવી ત્યારથી સત્તાનું કેન્દ્ર સુરતી નેતાઓ રહેતાં હતા. સુરતી નેતાઓ જેને ધારે તેને મેયર સ્થાયી અધ્યક્ષ કે મહત્વની કમિટિનો કાર્યભાર આપતાં હતા. ૧૯૯૫થી ૨૦૧૦ સુધી સુરતી ગ્રુપનો દબદબો રહ્યો હતો. સુરતી ગ્રુપના કાશીરામ રાણા, કિશોર વાંકાવાલા, ફકીર ચૌહાણ, પ્રવિણ નાયક અને ત્યારબાદ પુર્ણેશ મોદી અને નિતિન ભજીયાવાલા જેવા નેતાઓના ગ્રુપની પકડ હોવાથી તેઓ ગોડ ફાધર કહેવાતા હતા. પરંતુ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટીલની નિમણુક બાદ સુરતના ગોડફાધર યુગનો અંત આવી ગયો છે. મ્યુનિ. ચૂંટણીમાં સુરતના સાંસદ દર્શના જરદોશના નજીકના એવા ત્રણને ટિકિટ મળી છે. જ્યારે એક દાયકા પહેલા સૌથી પાવર ફુલ ગણાતા અને તે સમયે સી.આર.પાટીલના નિકટના પુર્ણેશ મોદી ગ્રુપના કોઈને પણ ટિકિટ ફાળવાઇ નથી. તેથી કેટલાક નારાજ કાર્યકરોએ રાજીનામાં આપ્યા બાદ મનાવી લેવાયાના વિડીયો પણ ફરતા થયા છે. સુરતમાં મોદી ગ્રુપ શાખ બચાવવા પ્રયાસ કરી રહ્યું છે તેમાં વિવાદો ઉભા થઇ રહ્યા છે.

ચૂંટણીમાં ત્રણ ટર્મ અને ૬૦ વર્ષની વયમર્યાદાના ભાજપ પાર્લોમેન્ટ્રી બોર્ડના નિર્ણય સાથે મૂળ સુરતી ગ્રુપ વિખેરાઇ ગયું છે. અને નવા ઉમેદવારોને સ્થાન આપી દેવાયું છે. બીજી તરફ ભાજપ સંગઠનમાં ભૂલાયેલા ચહેરાઓને સ્થાન આપી બેલેન્સ જાળવવા પ્રયાસ કરાયો છે. જોકે, સુરત મ્યુનિ.માં હવે મૂળ સુરતી ગ્રુપનો દબદબો પાછો આવે તેવી શક્યતા જોવાતી નથી.

ગુજરાતના રાજકારણમાં શંકરસિંહ વાઘેલાએ સત્તા મેળવવા માટે ધારાસભ્યને ખજુરાહો લઈ ગયાં હતા ત્યારથી સુરતમાં પણ હજુરીયા ખજુરીયા જુથનો ઉદય થયો હતો. સુરત ભાજપમાં ખજુરીયા જુથમાં કાશીરામ રાણા, ફકિર ચૌહાણ- સ્નેહલત્તા ચૌહાણનું ગ્રુપ ગણાતું હતું. જ્યારે હજુરીયા ગ્રુપમાં અરવિંદ ગોદીવાલા, નટુ પટેલ, હેમંત ચપટલાલા જેવા નેતાઓ હતા. સુરતમાં હજુરીયા ખજુરીયા ગ્રુપ બાદ સુરતી નેતાઓના અનેક ગ્રુપ છુટા પડયા હતા જેમાં કિશોર વાંકાવાલા, પ્રવિણ નાયક, પુર્ણેશ મોદી, નિતિન ભજીયાવાલા અને દર્શના જરદોશ ગ્રુપ બન્યા હતા. જેમાં બધા ગ્રુપનો સફાયો થયો છે. એક માત્ર દર્શના જરદોશ ટિકિટ અપાવવામાં થોડા સફળ રહ્યા છે.

(8:47 pm IST)