ગુજરાત
News of Saturday, 20th February 2021

ફતેવાડીમાં જાહેરમાં યુવકને છરી બતાવી લૂંટી લેવાયો: રોકડ અને ફોન લૂંટીને ફરાર

યુવકના ખિસ્સામાંથી 5200 રોકડા અને મોબાઈલ ફોન લૂંટી ચારેય લોકો બાઈકમાં નાશી ગયા

અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં રહેતા નવીનભાઈ ડામોર કે જેઓ ફતેવાડી કેનાલમાં રેતીના ટેક્ટર ભરવાનું કામકાજ કરે છે તેઓ  પોતાના ભાઈ ગોવિંદ તેમજ કાકાના દીકરા રાકેશ સાથે ફતેવાડી કેનાલ ખાતેથી મજૂરી કામ પતાવી ચાલતા ઘરે જતા હતા. તે દરમિયાન સિદ્દીકનગર સોસાયટી ફતેવાડી પાસે પહોંચતા 20 થી 25 વર્ષની ઉંમરના ચાર અજાણ્યા ઇસમો બે R15 બાઈક લઈને આવ્યા હતા. જે ચાર ઈસમોએ આ ત્રણે ભાઇઓને ઉભા રાખી એક યુવકે નવીન ડામોરની ફેંટ પકડી તેની પાસે જે પણ હોય તે આપી દેવાનું કહ્યું હતું અને તે સમયે નવીન ડામોરના પિતરાઇ ભાઇને ભય લાગતા તે જતો રહ્યો હતો. જોકે નવીન ડામોરે આ યુવકોને પોતે મજૂરી કરીને આવ્યા હોય તેઓની પાસે કશું નથી, તેવું કહેતા ત્રણ શખ્શોએ નવીન ડામોરના તેમજ તેના ભાઈના ખીસ્સા ચેક કર્યા હતા.

જેમાં યુવકના પેન્ટના ખિસ્સામાંથી મજૂરીના કામ કરીને રાખેલા 5200 રૂપિયા હતા. જેથી યુવકે ખિસ્સામાં હાથ નાખી પૈસા કાઢવાનો પ્રયત્ન કર્યો, ત્યારે યુવતીએ પેન્ટનો ખિસ્સો પકડી રાખતા પૈસા કાઢવા ન દેતા યુવકે પોતાના કમરના ભાગે રાખેલી છરી કાઢી હતી અને યુવકને બતાવી હતી. અંતે યુવકે ડરીને ખીસ્સુ છોડી દેતા આરોપીઓએ તેની પાસેના 5200 રૂપિયા કાઢી લીધા હતા. તેમજ યુવકના ખિસ્સામાં રાખેલો મોબાઈલ ફોન લૂંટી ચારેય લોકો પોતાની પાસે રહેલી બાઈક લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા….

આ મામલે યુવકે વેજલપુર પોલીસ સ્ટેશનમાં 4 શખ્શો સામે લૂંટની ફરિયાદ દાખલ થતાં પોલીસે આસપાસના સીસીટીવી સહિતની વિગતો મેળવી R 15 બાઈક લઈને આવેલા ચાર શખ્શો સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

(9:46 pm IST)