ગુજરાત
News of Saturday, 20th February 2021

સુરત : પ્રેમિકાની સગાઈ થતા IDFC બેંકના સેલ્સ ઓફિસરનો ગળા ફાંસો ખાઈ આપઘાત: ચકચાર

એકનો એક દીકરાના મોતથી પટેલ પરિવાર પર આભ ફાટી પડ્યું

સુરતના જહાંગીરપુરામાં રહેતા યુવકે પ્રેમિકાની સગાઈ થઈ જતા ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક તપાસમાં યુવક IDFC બેંકમાં સેલ્સ ઓફિસર તરીકે એક વર્ષથી નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે.

સુરત જહાંગીરપુરા આશિષ રો હાઉસમાં રહેતો પવન પટેલ જે છેલ્લા એક વર્ષથી IDFC બેંકના સેલ્સ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યો હતો. તેની પ્રેમિકાની સગાઈ થઈ જતા તેણે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. યુવક ગઇકાલે બપોરે નોકરી પરથી પરત આવી ગયો હતો. જો કે સાંજ સુધી દરવાજો નહી ખોલતા પાડોશીઓએ અને પરિવારજનોમાં ભારે ચિંતા જોવા મળી હતી. જો કે દરવાજો નહી ખુલતા તેમણે બારીમાંથી અંદર નજર કરી તો યુવક સીલીંગ સાથે તેનો દેહ લટકી રહ્યો હતો. બારીમાંથી અંદર પ્રવેશીને દરવાજો ખોલી પવનના મૃતદેહને નીચે ઉતાર્યો હતો.

યુવકના પરિવારમાં એક મોટી બહેન છે જેના લગ્ન થઇ ચુક્યા છે. માતા જેની સાથે યુવક રહેતો હતો તે પોસ્ટ વિભાગમાં આસિસ્ટન્ટ ઓફિસર તરીકે કામ કરતો હતો. પવન પરિવારનો એકનો એક દીકરો હતો. જેના કારણે પટેલ પરિવાર પર આભ ફાટી પડ્યું છે. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ જહાંગીરપુરા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે યુવકના મૃતદેહને પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.

(9:51 pm IST)