ગુજરાત
News of Saturday, 20th February 2021

ધારાશાસ્ત્રીઓ માટે બજેટમાં 10 કરોડ નાણાંકીય સહાય ફાળવવા ગુજરાત બાર કાઉન્સિલની માંગ

વકીલોની લાઇબ્રેરી, લીગલ એજ્યુકેશન તથા મૃત્યુ સહાય માટે મોટી રકમની જરૂર

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા રાજયના બજેટમાં ધારાશાસ્ત્રીઓના વેલ્ફેર માટે રૂપિયા 5 કરોડની ગ્રાન્ટ તાજેતરમાં જ ગુજરાત બાર કાઉન્સિલને ફાળવવામાં આવી હતી. પરંતુ ધારાશાસ્ત્રીઓ માટેની તેમ જ તેમના કુટુંબીજનો માટ કલ્યાણકારી યોજનાઓમાં મુત્યુ સહાય, લીગલ એજ્યુકેશન માટે તેમ જ કાયદાની લાઇબ્રેરીની વ્યવસ્તા માટે ગુજરાત બાર કાઉન્સિલે મોટી રકમની જરૂરિયાત ઊભી થતી હોવાથી રાજયના બજેટમાં 10 કરોડની નાણાંકીય સહાય ફાળવવા માટે સરકારમાં રજૂઆત કરી છે

ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન કિરીટ બારોટ, વાઇસ ચેરમેન્ શંકરસિંહ ગોહીલ, એકઝીકયુટીવ કમિટીના ચેરમેન ભરત ભગત સહિત અનિલ કેલ્લાં સહિતના અન્યોએ જણાવ્યું છેકે, ગુજરાત બાર કાઉન્સિલના 92 હજાર ધારાશાસ્ત્રીઓ છે. દર વર્ષે ગુજરાત બાર કાઉન્સિલમાં નોંધાયેલા ધારાશાસ્ત્રીઓ પૈકી 300 ઉપરાંતના ધારાશાસ્ત્રીઓના કુંટુંબીજનોને મૃત્ય સહાય આપવામાં આવે છે. આશરે 500 જેટલાં ધારાશાસ્ત્રીઓને માંદગી સહાય ચુકવવાની થાય છે. જેથી ગુજરાત બાર કાઉન્સિલને મોટી રકમની જરૂરિયાત ઊભી થતી હોય છે

તેઓએ વધુમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા જે જે જિલ્લા અને તાલુકામાં નવી જયુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટ, સીનીયર ડીવીઝન કોર્ટ કે એડીશનલ ડીસ્ટ્રીક્ટ કોર્ટ બનાવવામાં આવે તે જગ્યાએ પણ ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા ઇ-લાઇબ્રેરી, કોમ્પ્યુટર્સ, પ્રિન્ટર તેમ જ અન્ય સવલતો ફાળવવામાં આવે છે. સને 2020-21માં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજયના બજેટમાં ધારાશાસ્ત્રીઓના વેલ્ફેર માટે રૂપિયા 5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ ગુજરાત બાર કાઉન્સિલના ધારાશાસ્ત્રીઓ માટેની તેમ જ તેમના કુંટુંબીજનો માટે કલ્યાણકારી યોજનાઓમાં મૃત્યુ સહાય, લીગલ એજ્યુકેશન માટે તેમ જ કાયદાની લાઇબ્રેરીની વ્યવસ્થા માટે ગુજરાત સરકાર દ્વારા આગામી વર્ષ 2021-22ના બજેટમાં ધારાશાસ્ત્રીઓને માટે વાર્ષિક 10 કરોડ ગ્રાન્ટ ફાળવવા લેખિત રજૂઆત કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત બાર કાઉન્સિલની આવકની સામે જાવક વધતી જાય છે. પરિણામે કાઉન્સિલના વકીલોને લાભો ચુકવવામાં કપરી પરિસ્થિતિ સર્જાય છે. તેમાંય વળી તાજેતરમાં કોરોનાના કારણે કોર્ટોની કામગીરીને અસર થઇ હોવાથી ગુજરાત બાર કાઉન્સિલની આવકમાં પણ અસર થઇ હતી.

(11:55 pm IST)