ગુજરાત
News of Monday, 20th March 2023

ગુજરાત રાજયની ગ્રાન્‍ટેડ શાળાના પ્રશ્નો અંગે શિક્ષણ મંત્રીને રાજય સંઘની રજૂઆત

ખંભાળીયા તા. ર૦ :.. ગુજરાત રાજયની ગ્રાન્‍ટેડ શાળાના પડતર પ્રશ્નોના નિકાલ માટે તથા પડતર પ્રશ્નોના નિકાલ અંગે પરિપત્રો કરવા માટે રાજય આચાર્ય સંઘના પ્રમુખ જે. પી. પટેલ તથા અગ્રણીઓ ભરતભાઇ ચૌધરી, ભાનુભાઇ પટેલ વિ. દ્વારા શિક્ષણ મંત્રી કુબેરભાઇ કીડોરને રજૂઆત કરાઇ હતી.

આચાર્યોને પ-૧-૬પ ના ઠરાવ પ્રમાણે ઇજાફો આપવાની વાત સરકારે સ્‍વીકારી છે પણ પરીપત્ર થયો ના હોય તાકીદે પરિપત્ર કરવો, રાજયની ગ્રાંટેડ શાળાઓનું અસ્‍તિત્‍વ ટકાવી રાખવા પરીણામ આધારીત ગ્રાંટ નીતિ રદ કરવા અંગે સરકારે સ્‍વીકારેલું છે જેને ચાર-પાંચ માસ થયા છતાં હજી પરિપત્ર થયો નથી તે કરવો, હાલ મોંઘવારી વધી હોય ગ્રાંટેડ શાળાઓની નિભાવ ગ્રાંટમાં વધારો કરવા બાબતે શિક્ષણ મંત્રીએ વિશ્વાસ આપેલો પણ નાણા વિભાગે હજુ મંજૂર કર્યુ નથી. રાજય સરકારે ખાસ જાહેરાત કરીને ૧-૪-ર૦૦પ પહેલા નિયુકત તમામ કર્મચારીઓને જૂની પેન્‍શન યોજનાનો લાભ આપવા જાહેર કર્યુ પણ હજુ પરિપત્ર ના કરતા મહીનાઓ થઇ ગયા હોય કર્મચારીઓમાં નારાજગી હોય તાકીદે પરિપત્ર કરવો. રાજયની ગ્રાંટેડ શાળાઓમાં બે હજારથી વધુ આચાર્યોની જગ્‍યાઓ ખાલી છે. સરકાર દ્વારા પરીક્ષા લેવામાં આવી પરિણામ જાહેર થયુ પણ હજુ નિમણુક થઇ નથી નવી શિક્ષણનીતિના અસરકારક અમલ માટે આચાર્યો રેગ્‍યુલર જરૂરી હોય તુરંત નિયુકિત કરવી, બે વર્ગની શાળાઓમાં ચાર શિક્ષકનું મહેકમ મંજૂર થયું છે. પણ શિક્ષકોની નિમણુક થઇ નથી તે તુરત કરવી. હાલ શાળામાં પ્રવાસી શિક્ષકો અપાય છે પણ જયાં સુધી કાયમી શિક્ષક ભરતી ના થાય ત્‍યાં સુધી ૧૦-૧૧ માસના પગારથી પ્રવાસી નીમવા, ગ્રાંટેડ શાળાઓમાં લાંબા સમયથી કલાર્ક, પટાવાળાની જગ્‍યા ખાલી હોય તાકીદે નીમવા માંગ કરાઇ છે.

(1:44 pm IST)