ગુજરાત
News of Tuesday, 20th April 2021

ખેડા જિલ્લામાં છેલ્લા 19 દિવસમાં જુદા જુદા 9 સ્થળો પર પોલીસે દરોડા પાડી દેશી-વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો

ખેડા: જિલ્લામાં કોરોનાના કપરા કાળમાં પણ દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. એપ્રિલ મહિનાના ૧૯ જ દિવસમાં  ૯ સ્થળો પરથી વિદેશી-દેશી દારૂના ભારે જથ્થા મળી આવ્યા છે. જિલ્લા તંત્ર નાગરિકોને કોરોના ગાઈડલાઈન પળાવવા અને કારણ વગર ઘરેથી બહાર ન નીકળવા દેવા કમર કસી રહ્યું છે, ત્યારે દારૂની મહેફિલો માણતા શોખીનો અને બૂટલેગરો કોરોનાના ભયને ઘોળીને પી જઈ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. એપ્રિલ મહિના દરમિયાન જિલ્લામાં ખેડા, નડિયાદ, કપડવંજ, વસો તાલુકાઓમાંથી મોટી માત્રામાં દારૂ ઝડપી પડાયો છે. જોકે લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો હોવા છતાં મોટાભાગે આરોપીઓ ફરાર થઈ જતા હોવાનું જાણવા મળ્યું છે.

ગત પાંચ એપ્રિલે ડાકોર, નડિયાદ અને વસોમાં મળી કુલ આશરે ૧૬,૦૦૦ જેટલો વિદેશી દારૂ મળી આવ્યો હતો. ત્યારબાદ ૮ એપ્રિલે નડિયાદના ભૂમેલ ગામની સીમમાંથી ૧,૬૦,૦૦૦ રૂપિયાનો, ૧૨ એપ્રિલે વસોમાંથી ૨૪૦૦ રૂપિયાનો, ૧૬ એપ્રિલે કપડવંજમાંથી ૧,૦૧,૯૨૦ રૂપિયાનો વિદેશી દારૂ અને ૧૩ એપ્રિલે નડિયાદમાંથી ૪,૮૦૦ દેશી દારૂ ઝડપાયો હતો. આ તમામ બનાવોમાં ચારેક ઈસમોની જ ધરપકડ કરી શકાઈ હતી, જ્યારે મોટા ભાગે દારૂ સાથે સંકળાયેલા વ્યક્તિ ફરાર થઈ ગયા હોવાન માહિતી મળી છે.

(5:25 pm IST)