ગુજરાત
News of Tuesday, 20th April 2021

કોરોનાની બીજી લહેર વચ્ચે સિવિલમાં દરરોજ ૫૫ ટન ઓક્સિજનનો વપરાશ થઈ રહ્યો છે: સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પંદર દિવસમાં અંદાજે ૭૬૪ ટન ઓક્સિજનનો વપરાશ થયો છે

સિવિલ હોસ્પિટલ અને કોવિડ ડેઝીગ્નેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલ , મંજુશ્રી હોસ્પિટલમાં અલગ-અલગ ૬૦,૦૦૦ લિટરની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેંકો દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર થઈ રહી છેઃ લીક્વીડ ઓક્સિજન ટેંકથી સેન્ટ્રલ લાઇન દ્વારા વોર્ડમાં ઓક્સિજન પહોંચતો હોવાના કારણે ઓક્સિજન સપ્લાય બંધ થઇ જવાને કોઇ અવકાશ નથી

ઓક્સિજન લેતી વખતે ભેજવાળુ રહે તે માટે ડિસ્ટીલ વોટર(પાણી)નો ઉપયોગ કરવામાં આવે છે : મશીનમાં પાણીના પરપોટા દેખાવાનું બંધ થઇ ગયા બાદ પણ ઓક્સિજનનો પ્રવાહ સતત વહેતો જ રહે છે
કોરોનાની બીજી લહેરમાં શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે ઓક્સિજનની જરૂરિયાત ધરાવતા કોરોનાગ્રસ્ત ની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. સિવિલ હોસ્પિટલની કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને પુરતા પ્રમાણમાં ઓકિસજનનો જથ્થો ઉપલબ્ધ થાય તે માટે સિવિલ તંત્ર અથાગ પ્રયાસો કરી રહ્યું છે.
  માર્ચ મહિનામાં દરરોજ દરરોજ ૧૩ ટન જેટલી ઓકિસજનની જરૂરિયાત રહેતી હતી. જે અપ્રિલ મહિનાના ૧૫ દિવસમાં  કોરોનાની બીજી લહેર વચ્ચે ઓક્સિજનની જરૂરિયાત ધરાવતા દર્દીઓની સંખ્યા વધવાના કારણે હાલમાં દરરોજ ૫૫ ટન જેટલા ઓકિસજન પુરવઠાનો વપરાશ થઈ રહ્યો છે. છેલ્લા પંદર  દિવસમાં અંદાજિત 764 ટન ઓક્સિજનનો વપરાશ થયો છે.
 સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડે 1200 બેડ હોસ્પિટલ અને મંજુશ્રી હોસ્પિટલમાં ઓકિસજનની જરૂરીયાતને પહોચી વળવા માટે તબક્કાવાર આધુનિક ટેન્કો ઈન્સ્ટોલ કરવામાં આવી છે. જેમાં ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ૨૦,૦૦૦ લિટરની ટેન્ક જયારે મંજુશ્રી હોસ્પિટલમાં ૨૦હજાર લીટરની ટેન્ક અને સિવિલ બિલ્ડીંગમાં ૨૦,૦૦૦ લીટરની ક્ષમતાવાળી ઓક્સિજન ટેંક સ્થાપિત કરવામાં આવી છે. આમ કુલ ૬૦,૦૦૦ લીટર ઓક્સિજન ટેન્કોની ક્ષમતા સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. પૂરતી માત્રામાં લિક્વિડ ઓક્સિજન ટેન્ક દ્વારા ફ્લોલેસ ઓક્સિજનની વ્યવસ્થા ઉપલબ્ધ થતાં કોરોનાગ્રસ્ત દર્દીઓની વધુ સારી રીતે સારવાર શક્ય બની છે.
   સિવિલ હોસ્પિટલમાં દાખલ કોવિડ-૧૯ના દર્દીઓને ક્યારેય ઓક્સિજનની તંગી નોંધાઇ નથી. દરેક કોરોના સંક્રમિત દર્દીઓના બેડ સુધી જરૂરિયાત મુજબ પૂરતી માત્રામાં ઓક્સિજન મળી રહે તે માટે હોસ્પિટલ તંત્ર સજ્જ છે. ઓક્સિજન સુવિધાના કારણે ક્રિટીકલ કંડીશનના દર્દીઓની સઘન સારવાર કરી તેમને ઝડપથી સ્વસ્થ કરવામાં મદદ મળી રહી છે. સ્ટોરેજ કેપેસિટી વધવાથી વધુ સમય માટે ઓક્સિજનનો સ્ટોરેજ રાખી શકાય છે.  હાલ તમામ ટેન્કોને દિવસમાં સરેરાશ બે થી ત્રણ વાર રિફીલ કરવામાં આવે છે.
   અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં ઓક્સિજનની લાઇન સેન્ટ્રલાઇન કરેલ હોવાંથી ક્યારેય ઓક્સિજન ખૂટવાની શક્યતા રહેતી નથી. ઓક્સિજન ટેન્કમાં ઓડિયો-વિડીયો અલાર્મ સેટ કરવામાં આવેલ છે. જે નિર્ધારીત કરેલા ચોક્કસ સ્તરે  પહોંચે ત્યારે ઓક્સિજન સપ્લાય કરતી કંપની વોટ્સએપ પર મેસેજ પહોંચી જાય છે. જેથી ખૂબ જ ઝડપથી જે-તે કંપની દ્વારા સ્થળ પર પહોંચીને ટેંક ભરી દેવામાં આવે છે.
  વોર્ડમાં સારવાર લઇ રહેલા દર્દીની સ્વાસ્થ્ય સ્થિતિ ને આધારે તેની ઓક્સિજનની જરૂરિયાત નક્કી કરવામાં આવે છે. ઓક્સિજન સપ્લાય કરતા મશીનની સાથે હ્યુમીડીફાયર જોડાયેલ હોય છે. જેમાં ઓક્સિજન જ્યારે ફેફસા સુધી પહોંચે છે તે પ્રક્રિયાને ભેજયુક્ત રાખવામાં માટે તેમાં પાણી (ડિસ્ટીલ વોટર) ભરવામાં આવે છે. આ પાણી ખાલી થઇ જાય તે છતાંય ઓક્સિજનનો પ્રવાહ નિયમિત વહેંતો રહે છે. માટે પાણી ખાલી થઇ જવાથી ઓક્સિજનનો સપ્લાય ફેફસામાં જતો અટકી જતો નથી.
સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના વડા ડૉ. શૈલેષ શાહ કહે છે કે, કોરોનાગ્રસ્ત દર્દીને નેઝલ પ્રોન્જ પર દર્દીને 0 થી 4 લીટર, સાદા વેન્ટી માસ્ક પર દર્દીને 6 થી 8 લીટર  અને એન.આર.બી.એમ. માસ્ક ઉપર દર્દીને 10 થી 12 લીટર પ્રત્યેક મીનીટ જેટલો ઓક્સિજન શરીરમાં પહોંચતો કરવામાં આવે છે. (આ તમામ જરૂરિયાત દરેક દર્દીની સ્વાસ્થ્ય સ્થિતિ જોઇને તબીબો દ્વારા નક્કી કરવામાં આવે છે)
  ઉલ્લેખનીય છે કે, ઓક્સિજન ટેન્કોમાં હાઈ કેપેસિટી ધરાવતું ઓક્સિજન ટેંક સાથે વેપોરાઇઝર પણ કાર્યરત હોય છે. ઓક્સિજનની સપ્લાય બે પ્રકારે કરવામાં આવતી હોય છે. એક પ્રવાહી અને બીજુ વાયુ સ્વરૂપે. ઓક્સિજન લિક્વીડ સ્વરૂપમાં હોવાથી તેને સીધો ઉપયોગમાં લઈ શકાતો નથી, પણ તેને વેપોરાઈઝર મશીનના માધ્યમથી વાયુ સ્વરૂપમાં પરિવર્તિત કર્યા બાદ કોવિડ હોસ્પિટલના દરેક વોર્ડમાં પાઈપલાઈન મારફતે કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે સપ્લાય કરવામાં આવે છે. ટેંકમાં રહેલો લિકવીડ ઓક્સિજન (-૧૯૬ ડિગ્રી સેલ્સિયસ) તાપમાન ધરાવતો હોય છે. જેને દર્દીના રૂમ ટેમ્પરેચરમાં ૩૦ થી ૩૫ ડિગ્રીએ લાવવો જરૂરી હોય છે, આ પ્રક્રિયા દરમિયાન પાઈપલાઈન પર બરફ જામી જતો હોય છે, જેને અટકાવવાં માટે પણ વેપોરાઈઝરનો ઉપયોગ થાય છે.
 (  અમિતસિંહ ચૌહાણ )

(7:03 pm IST)