ગુજરાત
News of Sunday, 20th June 2021

જો રથયાત્રા યોજાશે તો કોરોનાની ત્રીજી લહેર આવશે અને ગંભીર સ્થિતિ સર્જાશે : એલર્ટ રહેવા IB નું સૂચન

ઇન્ટેલિજન્સ બ્યુરોએ રથયાત્રાની સાથે જન્માષ્ટમીમાં મેળાનું આયોજન રદ કરવાનો ઉલ્લેખ કર્યો

અમદાવાદ: કોરોના કાળમાં રથયાત્રા યોજવી કે નહીં તેને લઈને અસમંજસ જોવા મળી રહી છે. ત્યારે, રથયાત્રામાં પહેલું વિઘ્ન આવી પહોંચ્યું છે. સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરોએ આ વર્ષે રથયાત્રા ન યોજવા સરકારને સૂચન આપ્યું છે. આ સાથે જ રથયાત્રાને લઇને સરકારને એલર્ટ રહેવા પણ જણાવ્યું છે. ઇન્ટેલિજન્સ બ્યુરોએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે, જો રથયાત્રા યોજાશે તો કોરોનાની ત્રીજી લહેર આવશે અને ગંભીર પરિસ્થિતિ સર્જાશે.

ઇન્ટેલિજન્સ બ્યુરોએ રથયાત્રાની સાથે જન્માષ્ટમીમાં પણ મેળાનું આયોજન રદ કરવાનો ઉલ્લેખ કર્યો છે. રથયાત્રા વિશે જણાવ્યું છે કે, ફક્ત મંદિર પરિસરમાં જ રથયાત્રા યોજાવી જોઈએ. જોકે, રથયાત્રાને લઈને 24 જૂન સુધીમાં રાજ્ય સરકાર નિર્ણય લઈ શકે છે. સરકાર ઇન્ટેલિજન્સ બ્યુરોના અહેવાલની અવગણના કરશે નહીં, તેવું લાગી રહ્યું છે. પરિણામે આ વર્ષે પણ રથયાત્રા નીકળવાની શક્યતા હવે ઓછી થતી જણાય છે. ઇન્ટેલિજન્સ બ્યુરોએ પોતાના રિપોર્ટમાં ઈન્ડીયન મેડીકલ એસોસિએશનના તારણોનો પણ હવાલો આપ્યો છે. જ્યાં સુધી 100 ટકા વેક્સિનેશન ન થાય, ત્યાં સુધી કોઈ પણ ધાર્મિક મેળાવડાઓ ન થાય તેઓ ઇન્ટેલિજન્સ બ્યુરોનો મત છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, અગ્રણી નેતાઓ અને સંતો-મહંતોનો રથયાત્રા કાઢવા ઈચ્છા ધરાવે છે. પરંતુ, જો રથયાત્રા નીકળે તો પાછળ આવતા તમામ ધર્મના તહેવારોમાં પણ છૂટ આપવી પડે. બીજી તરફ અમદાવાદ મેડિકલ એસોસિએશને પણ એક વર્ષ સુધી કોઈપણ પ્રકારના મેળાવડા યોજવાની સખત મનાઈ ફરમાવી છે. કારણ કે, અત્યારેથી જ લોકો કોવિડ ગાઈડલાઈનનું પાલન કરી રહ્યા નથી. કોરોના સતત વેરીઅન્ટ બદલી રહ્યો છે. 100 ટકા વેકસીનેશન બાદ જ આવી છૂટ આપી શકાય

(11:35 pm IST)