ગુજરાત
News of Monday, 20th June 2022

પ્રમુખમાર્ગઃ શીખવા જેવો પાઠ

પરમ પૂજય પ્રમુખ સ્‍વામી મહારાજ શતાબ્‍દી લેખમાળા

ભગવાન શ્રીરામ વનયાત્રા દરમ્‍યાન સૌપ્રથમ ગંગા કિનારે શ્રુંગવેરપુરના નિષાદરાજ ગુહને મળ્‍યા હતા. સત્‍કારમાં ગુહે ફળ, ફૂલ, મૂળની ભેટ ધરી ભગવાન શ્રીરામને દંડવત્‌ પ્રણામ કર્યા. તેના પ્રેમને નીરખતા ભગવાને પોતાની સમીપે બેસાડી તેની કુશળતા પૂછી. ગુહે પુરમાં પધારવા, સેવાનો લાભ આપવા ભગવાન શ્રીરામને વિનંતી કરી. ત્‍યારે ભગવાન શ્રીરામે જે પ્રત્‍યુત્તર આપ્‍યો તેનું મનન કરવા જેવું છે. ભગવાન શ્રીરામે કહ્યું, ‘સખા, તારો પ્રેમ અદ્વુત છે. પણ પિતાની આજ્ઞાથી મારે હમણાં વનમાં જ નિવાસ કરવાનો હોવાથી પુરમાં નહીં આવી શકું.'

ભગવાન શ્રીરામે વનવાસી ગુહને પોતાના મિત્ર કહ્યા, પોતાની નજીક બેસાડ્‍યા આ જોઈ સૌ આર્યચકિત થઈ ગયા હતા. વિવેચકો કહે છે કે રામરાજયનો પ્રારંભ જ અહીંથી થઈ ગયો. જયાં રાજા અને પ્રજા પરસ્‍પરની મિત્ર બની રહે. જયાં રાજા નાની વ્‍યક્‍તિને પણ પોતાની સમીપે બેસાડે, તેના ખબરઅંતર પૂછે અને તેને પ્રેમ કરે તે જ રામરાજય.

ભગવાનને મન કોઈ નાનું નથી અને કોઈ મોટું નથી. સૌને તેઓ સમાનભાવે પ્રેમ આપે છે. ભગવાનના ધારક સંતોની પણ આ જ પ્રકૃતિ હોય છે.

તા. ૩-૩-૨૦૦૧ના પ્રમુખસ્‍વામી મહારાજ મોડાસા ગામે બિરાજમાન હતા. તેઓના સાનિધ્‍યમાં ત્‍યાં જાહેર સત્‍સંગસભા યોજાયેલી. આ પ્રસંગે પોશીના વિસ્‍તારમાં રહેતા આદિવાસી ભક્‍તો પણ પ્રમુખસ્‍વામી મહારાજનો લાભ લેવા દોડી આવેલા. તે જોઈ પ્રમુખસ્‍વામી મહારાજને તેઓને મળવાની ઇચ્‍છા થઈ આવી. પરંતુ પૂર્વ આયોજિત જાહેરસભા નિતિ હતી. વળી શહેરના શ્રેષ્‍ઠીઓ, મહાનુભાવો પણ આ સભામાં ઉપસ્‍થિત રહે તે સ્‍વાભાવિક હતું. પ્રમુખસ્‍વામી મહારાજને આ સભામાં હાજર રહેવું જ પડે તેમ હતું. પરંતુ જયાં પ્રેમ હોય ત્‍યાં માર્ગ મળી જ જાય છે.

પ્રમુખસ્‍વામી મહારાજે વ્‍યવસ્‍થાપક સંતને કહ્યું, ‘‘આદીવાસી ભાઈઓની અલગ સભા આપણા ઉતારાની સામે કરાવો. ત્‍યાં એક સંતને કથા કરવા મોકલો. આ સભા પછી હું ત્‍યાં આવું છું એવી વ્‍યવસ્‍થા કરજો કે આદિવાસી સિવાય શહેરના હરિભક્‍તો વગેરે ત્‍યાં કોઈ સભામાં બેસે નહીં કારણ કે મારે સૌ આદિવાસીને ખાસ મળવું છે.''

જાહેરસભામાં શહેરવાસીઓને પ્રસન્‍ન કરી પ્રમુખસ્‍વામી મહારાજ તરત જ આદિવાસીઓની સભામાં પધાર્યા. આ સભામાં ધર્મનિયમ સંબંધી બળપ્રેરક વાતો કરતા અંતે પ્રમુખસ્‍વામી મહારાજે પોતાની ભાવના રજૂ કરી. ‘‘મારે ખાસ આપને મળવું હતું એટલે આ સભા ગોઠવી છે. મોટી (જાહેર) સભામાં તમને મળાય તેમ ન હતું. અહીં આપને નજીકથી મળાય, વાત થાય. કારણ, હું તમારા ગામ સુધી આવી શકું તેમ નથી. પણ તમે આવ્‍યા છો તો સહેજે મળી શકાય એવી મારી ભાવના હતી.'' પ્રમુખસ્‍વામી મહારાજ જેવા મહાનસંતનો આ ભાવ સૌ વનવાસીના હૈયાને હલાવી ગયો, તેઓના આંખે આંસુંઓના તોરણો બંધાઈ ગયા.

એટલામાં તો પ્રમુખસ્‍વામી મહારાજ બોલ્‍યા, ‘‘હવે વારાફરતી નજીક દર્શને આવો.'' એટલું કહી સ્‍થાનિક સંતને કહ્યું, ‘‘મને એકએકનો પરિચય કરાવતા જજો.'' એક પછી એક બસો આદિવાસીઓને વ્‍યક્‍તિગત મળી પ્રમુખસ્‍વામી મહારાજે તેઓનો પરિચય મેળવ્‍યો, માથે હાથ મૂકી આશીર્વાદ આપ્‍યા અને સૌને પ્રસાદ પણ અપાવ્‍યો.

ગીતામાં શ્રીકૃષ્‍ણ ભગવાનને કહ્યું છે, ‘‘વિદ્યાવિનય સંપન્‍ન બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરાંમાં, ચાંડાલમાં, પંડિતોની દૃષ્ટિ સમાન હોય છે.'' (અધ્‍યાય-૫/૧૮)

પંડિતનો અર્થ અહીં જ્ઞાનીપુરૂષ છે. ભગવાનના સ્‍વરૂપનું જેને યથાર્થ જ્ઞાન થયું છે તેવા જ્ઞાની એટલે કે પંડિત, સૌમાં ભગવાનના દર્શન કરે છે તેથી તેઓ સાહજિક રીતે સમતાથી વર્તી શકે છે.

૧૪-૩-૧૯૯૦ના ગુજરાતના નવનિયુક્‍ત છ પ્રધાનો પોતાની કાર્યવાહીના આરંભ પૂર્વે અમદાવાદમાં પ્રમુખસ્‍વામી મહારાજના આશીર્વાદ લેવા આવ્‍યા હતા. પ્રમુખસ્‍વામી મહારાજે તે સૌને જાહેરસભામાં સત્‍કારી સ્‍મૃતિભેટથી વધાવ્‍યા. તેમની સાથે આવેલા સચિવો તથા રક્ષકો અને ડ્રાઈવરોને પણ પ્રસાદી આપી.

આ સૌ પ્રધાનોને પ્રસાદ(ભોજન) લઈને જવા પ્રમુખસ્‍વામી મહારાજે આગ્રહભરી વિનંતી કરી. સૌ પ્રધાનો જમવા માટે ગોઠવાયા, પરંતુ પંચાયત-મંત્રી શ્રીમોહનસિંહ રાઠવાને અન્‍ય કાર્યક્રમોમાં જવું પડે તેમ હતું. તેથી તેઓ થોડો પ્રસાદ ગ્રહણ કરી જવા માટે તૈયાર થયા. પણ ડ્રાઈવર ન મળે. તપાસ કરતાં ખબર પડી કે સૌ મંત્રીઓની સાથે પ્રમુખસ્‍વામી મહારાજે તેમના ડ્રાઈવરો તથા રક્ષકોને પણ જમવા બેસાડ્‍યા છે. ત્‍યારે તે મંત્રી બોલી ઊઠ્‍યા, ‘‘નાનામાં નાના માણસને પણ આદર આપવો એ આજે પ્રમુખસ્‍વામી મહારાજ પાસેથી અમે શીખ્‍યા.''

કેવળ મંત્રીશ્રીએ નહીં પણ સૌએ આ સમત્‍વના પાઠ પ્રમુખસ્‍વામી મહારાજ પાસે શીખવા જેવા છે કારણ કે તે જ આપણા સૌ માટે પ્રમુખમાર્ગ છે.(૩૦.૬)

- સાધુ નારાયણમુનિદાસ

(3:40 pm IST)