ગુજરાત
News of Monday, 20th June 2022

વિધાનસભાની ચુંટણી બાદ નવા મુખ્યમંત્રી કોણ !: શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીનું સૂચક નિવેદન

શિક્ષણમંત્રીએ કહ્યું - જાન્યુઆરીના LD એન્જીનિયરિંગના જલસાના ક્રાર્યક્રમમાં અમે પાછા આવીશું

અમદાવાદ :આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે શિક્ષણમંત્રી જીતુભાઈ  વાઘાણી દ્વારા 2023માં પણ ભુપેન્દ્ર ભાઈ  પટેલ જ CM હશે તેમ સૂચક નિવેદન આપવામાં આવ્યું છે. તેમના દ્વારા LD એન્જીનિયરિંગના કાર્યક્ર્મમાં નિવેદન આપ્યું હતું કે,2023માં ભુપેન્દ્ર પટેલ CM હશે એટલે જાન્યુઆરીના LD એન્જીનિયરિંગના જલસાના ક્રાર્યક્રમમાં અમે પાછા આવીશું.

પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદની LD એન્જીનિયરિંગ કોલેજની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલ,શિક્ષણમંત્રી જીતુ ભાઈ  વાઘાણી અને રાજયકક્ષાના મંત્રી કુબેર ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્યમંત્રી દ્વારા LD એન્જીનિયરિંગ કોલેજમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને રોબોટિક્સની 2 નવી બ્રાન્ચ કોલેજને ફાળવવા જાહેરાત કરવામાં આવી હતી. તેની સાથે કોલેજના વિકાસ માટે 75 કરોડની રકમ પૂર્વ વિદ્યાર્થીઓ એકત્રિત કરવાનું નક્કી કર્યું છે.

 

શિક્ષણમંત્રી જીતુભાઈ  વાઘાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવની સાથે 75 વર્ષ પહેલાં એલ.ડી એન્જીનીયરીંગ કોલેજની શરૂઆતને ગુજરાત માટે ગૌરવની બાબત હોવાની વાત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે,ભુપેન્દ્રભાઈ પટેલ 2023માં મુખ્યમંત્રી હશે એટલે જાન્યુઆરીના LD એન્જીનિયરિંગના જલસાના કાર્યક્રમમાં પાછા અમે આવીશું તેવું નિવેદન તેઓએ તેમની સ્પીચમાં કર્યું હતું. તેમના દ્વારા સરકારની સ્ટાર્ટ અપ પોલીસી અંતર્ગત વધુને વધુ સ્ટાર્ટ અપ તૈયાર કરવાની અપીલ પણ કરવામાં આવી છે. તેની સાથે તેઓએ LD એન્જીનિયરિંગ કોલેજમાં 10 કરોડની લેબ માટેની ગ્રાન્ટ કોલેજને આપવાની જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં શિક્ષણમંત્રી જીતુભાઈ  વાઘાણી દ્વારા સેવા,સુશાસન અને ગરીબ કલ્યાણ અભિયાનનું ઉદ્વાટન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓએ અન્ય પક્ષો પર પ્રહાર કર્યા હતા. આ તકે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહીતના પક્ષો સામે પણ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પ્રહાર કર્યા હતા. વધુમાં જીતુ ભાઈ વાઘાણીએ આપ પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ચૂંટણી પહેલા આંબા-આંબલી બતાવી બધું મફત આપવાવાળા લોકો પણ આવશે પરંતુ લોકો લોભામણી જાહેરાતોથી પર રહેજો.

(7:38 pm IST)