ગુજરાત
News of Monday, 20th June 2022

ભરૂચ સિવિલ તબીબો અને ICU ની ટીમની ઉમદા સારવાર :વાલીયાના યુવકને મોતના મુખમાંથી ઉગારી નવજીવન બક્ષ્યું

કોબ્રાએ દંશ દીધા બાદ કોમામાં સરી પડેલા યુવાનને વેન્ટિલેટર ઉપર રાખી ભરૂચ સિવિલના તબીબોએ 8 દિવસ ICU માં સારવાર આપી જીવ બચાવ્યો

વાલિયામાં કોબ્રાએ દંશ દીધા બાદ કોમામાં સરી પડેલા યુવાનને વેન્ટિલેટર ઉપર રાખી ભરૂચ સિવિલના તબીબોએ 8 દિવસ ICU માં સારવાર આપી મોતના મુખમાંથી ઉગારી નવજીવન બક્ષ્યું છે. જેને લઈને યુવકના પરિવારની આંખોમાં ખુશીના આંસુ જોવા મળ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર વાલિયા તાલુકાના ડુંગરડી ફળિયામાં રહેતો મૂળ બિહારનો 22 વર્ષીય હુસેન સિરોદીન શેખને ગત સોમવારે કોબ્રા સાપે ડંખ માર્યો હતો. પગમાં અત્યંત ઝેરી સાપે દંશ દેતા બેભાન અવસ્થામાં યુવાનને પરિવારજનો વાલિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. જ્યાં હુસેનના શરીરમાં ઝેર પ્રસરી જતા તેણે કોઈપણ પ્રતિકાર આપવાનું બંધ કરી દીધું હતું. પી.એચ.સી. ના તબીબ અને સ્ટાફે યુવાનને વહેલી તકે મોટી હોસ્પિટલમાં લઈ જવા પરિવારને કહ્યું હતું.

આ બાદમાં ગંભીર અવસ્થામાં હુસેનને પરિવાર દ્વારા 108 માં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં ગંભીર હાલતમાં આવેલા હુસેનને સિવિલના આઈ.સી.યુ. કેરમાં દાખલ કરી તબીબોએ તેની સારવાર શરૂ કરી હતી. મહત્વનું છે કે એમ.ડી. મેડિસિન ડો. દિપા થડાનીએ યુવાન કોઈ રિસ્પોન્સ આપતો ન હોય તેને વેન્ટિલેટર ઉપર લઈ તેની સારવાર શરૂ કરી હતી. આઈ.સી.યુ. નો સ્ટાફ અન્ય તબીબોએ બે દિવસ સુધી હુસેનને વેન્ટિલેટર ઉપર રાખી તેની ટ્રીટમેન્ટ કરી હતી.

ત્યારે આજે 8 દિવસની સારવાર બાદ હુસેનને મોતના મુખમાંથી ઉગારી લેવાતા તબીબો, સ્ટાફ અને પરિવારજનોની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા. સોમવારે હુસેન સંપૂર્ણ સ્વસ્થ થતા તેને આઈ.સી.યુ. માંથી રજા આપવામાં આવી હતી.

(9:08 pm IST)