ગુજરાતમાં ગ્રીષ્મા વેંકરિયા જેવી બીજી ઘટના ! : માતરમાં મંદિરથી દર્શન કરીને પરત ફરતી યુવતીની ગળુ કાપી હત્યા
કિશોરી દુકાને ગઇ ત્યારે યુવકે પાછડથી આવી કોઇ કારણસર યુવતીની હત્યા કરી : લોકોએ હત્યારાને ઝડપી પાડી માતર પોલીસના હવાલે કર્યો
નડિયાદ: ખેડા જિલ્લામાં ગ્રીષ્મા વેંકરિયા જેવો હત્યાકાંડ સર્જાયો છે. ખેડા જિલ્લાના માતરના ત્રાજ ગામે બસ સ્ટેન્ડ પાસે ગઈકાલે સાંજના સુમારે ગામની એક સગીરાની જાહેરમાં ગળું કાપી નાખી હત્યા કરાઈ છે. સગીરાની પણ ગ્રીષ્મા વેંકરિયાની જેમ જાહેરમાં ગળુ કાપીને હત્યા કરી છે. ખેડા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
16 વર્ષીય કૃપા માતરના ત્રાજ ગામમાં સાંજના સમયે મંદિરમાં બહેનપણીઓ સાથે દર્શન કરીને ઘરે પરત આવતી હતી. આ દરમિયાન બસ સ્ટેન્ડ પાસે કોન્ડડ્રિક્સની દુકાનમાં ઠંડુ પીણુ ખરીદવા ગઇ હતી. આ સમયે ગામનો જ એક 46 વર્ષીય રાજુ ઉર્ફ રાજેશ મગન ભાઇ પટેલે કોઇ કારણસર કૃપાને ધારદાર હથિયાર વડે ગળુ કાપી નાખ્યુ હતુ. આટલેથી ના અટકતા તેને હાથ પર છરીના ઘા પણ ઝીકી દીધા હતા. લોહીથી લથપથ કિશોરી ગંભીર રીતે ઘવાઇ હતી અને દુકાન પાસે જ લોહીના ખાબોચિયા ભરાઇ ગયા હતા. ઘટના બાદ આસપાસના લોકોએ હત્યારાને ઝડપી પાડી માતર પોલીસના હવાલે કરી દીધો હતો. બીજી તરફ કૃપાને સારવાર અર્થે ખેડા સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી જ્યા તેને સારવાર મળે તે પહેલા જ મોત થયુ હતુ.
આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બનાવની જાણ થતા જ જિલ્લા પોલીસ વડાનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. માતર પોલીસે ફરિયાદના આધારે રાજુ નામના શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ હત્યા ક્યા કારણોસર કરી તે જાણી શકાયુ નથી. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. બીજી તરફ ગ્રામજનો હત્યારાને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે.