ગુજરાત
News of Friday, 19th August 2022

સરદાર સરોવરના પાણી છોડાતા ગોરા ઘાટ પાણીમાં ગરકાવ થતાં નર્મદા મહાઆરતી બંધ કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સરદાર સરોવર નર્મદા ડેમના ઉપર વાસમાંથી 7 લાખ 40 હજાર ક્યુસેક પાણી આવતા ડેમ ના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે આ દરવાજા છેલ્લા 6 દિવસ થી સતત ખુલ્લા રાખવામાં આવ્યા છે. જેમાંથી 6 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે નર્મદા નદી ગાડીતુર બની છે. અને ગોરા ખાતે આવેલ નર્મદા ઘાટ ડૂબી ગયો છે.  આ ઘાટ ડૂબતા હાલ નર્મદા આરતી બંધ કરવામાં આવી છે.જોકે આ ઘાટ પર પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા હોય પ્રવાસીઓ પાણીમાં ના જાય એ માટે પોલીસ અને SRP બંધોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
નર્મદા કિનારાનો ગોરા ઘાટ 9 સ્ટેપમાં બનાવાયો છે લગભગ 60 ફૂટથી પણ વધુ લાંબો આ ઘાટ છે અને આજે નર્મદા નદીમાં મોટી માત્રામાં પાણી છોડવામાં આવતા આ ઘાટ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. ઘાટ ડૂબી જતાં નર્મદા મહાઆરતી બંધ કરવામાં આવી છે એટલે આ આરતીનો લાભ લોકોને નહિ મળતા પ્રવાસીઓની લાગણી પણ દુભાઈ છે. આ બાબતની નર્મદા નિગમના સત્તાધીશો ને ખબર હતી કે ઓગસ્ટ મહિનામાં હેવી ફ્લડ આવવાનું છે. એટલે નર્મદાની જળ સપાટી વધે એ બે મહિના પહેલા નર્મદા નદીમાં લગાડવા માં આવેલ કરોડોના ખર્ચના ફુવારા અને લાઇટિંગ કાઢી લેવામાં આવી હતી.

(10:55 pm IST)