ગુજરાત
News of Friday, 19th August 2022

સાંસદ મનસુખભાઇ વસાવાના અધ્યક્ષપદે નર્મદા જિલ્લા પંચાયત ખાતે જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: ભરૂચના સાંસદ અને નર્મદા જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિના અધ્યક્ષ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં રાજપીપલામાં નર્મદા જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી દિશા મોનીટરીંગ સમિતિની બેઠકમાં જિલ્લાના જુદા જુદા વિભાગો હેઠળના યોજનાકીય વિકાસ કામો ગુણવત્તા યુક્ત હાથ ધરાય અને લાભાન્વિત જનસમુદાયને તેના લાભો સમયસર મળી રહે તે માટે જિલ્લા પંચાયત/ તાલુકા પંચાયત/ નગરપાલિકાના પ્રમુખ, ચૂંટાયેલા સદસ્યો સાથે જરૂરી સંકલન અને પરામર્શમાં રહીને વિકાસ કામો હાથ ધરાય તે જોવા વસાવાએ ખાસ અનુરોધ કર્યો હતો.જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા,નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવા, ધારીખેડા સુગર ફેક્ટરી અને ભરૂચ દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખો, જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા,જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એલ.એમ.ડિંડોર સહિતના સમિતિના અન્ય સભ્યો, જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલી જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિની ઉક્ત બેઠકને સંબોધતા સંસદસભ્ય મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ નર્મદા જિલ્લામાં સમાજના ગરીબ અને છેવાડાના માનવીના સર્વાંગી વિકાસ સાથે દેશને સમૃધ્ધ બનાવવાની દિશાના ભગીરથ પ્રયાસો સરકાર દ્વારા થઇ રહ્યાં છે,ત્યારે જિલ્લાના મહત્વના પ્રશ્નોના ઉકેલ સાથે એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટના સર્વાંગી વિકાસ માટે દિશા મોનીટરીંગ સમિતિ મહત્વનું માધ્યમ બન્યું છે તેમ વસાવાએ ઉમેર્યું હતું.બેઠકમાં ચર્ચા દરમિયાન ધારાસભ્ય પી.ડી.વસાવા અને જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા સહિતના અન્ય સભ્યઓએ જરૂરી રચનાત્મક સૂચનો કર્યા હતાં.              

બેઠક બાદ દિશા મોનીટરીંગ સમિતિના અધ્યક્ષ મનસુખ ભાઈ વસાવાએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે,નર્મદા જિલ્લાની દિશા મોનીટરીંગ સમિતિની બેઠક જિલ્લા-તાલુકાના વરિષ્ઠ પદાધિકારીઓ, અધિકારીઓ સાથે દર ત્રણ મહિને યોજાતી હોય છે, જિલ્લાના તમામ વિભાગો દ્વારા થયેલી કામગીરીની વિસ્તૃત ચર્ચા સાથે તેની સમીક્ષા થતી હોય છે. આ દિશા મિટીંગમાં બધા જ વિભાગના અધિકારીઓ ઉપરાંત કેટલાંક સામાજિક પ્રતિનિધીઓને પણ આમંત્રિત સભ્યો તરીકે રાખવામાં આવે છે. આ બધા જ લોકો પોતપોતાના વિસ્તારના કોઇપણ વિભાગને લગતા પ્રશ્નોની દિશા સમિતિની બેઠકમાં ચર્ચામાં ભાગ લઇ શકે છે અને જિલ્લાની વિકાસકૂચ સતત જારી રહે તેવા સૂચનો સાથે જરૂરી માર્ગદર્શન પણ આ બેઠકમાં પુરૂં  પાડવામાં આવે છે.જિલ્લામાં સરકારની તમામ યોજનાકીય બાબતોની અમલવારી કરતા વિભાગો દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે તેમ પણ તેઓએ વધુમાં ઉમેર્યું હતું

(11:05 pm IST)