ગુજરાત
News of Friday, 19th August 2022

યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમી પર્વને લઇને તૈયારીઓને આખરી ઓપ અપાયો

મંદિર સહિત સમગ્ર પરિસરને રંગબેરંગી રોશની અને આસોપાલવના તોરણથી શણગારવામાં આવ્યું

અરવલ્લી જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પણ જન્માષ્ટમી પર્વને લઇને મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ શામળાજી મંદિર સહિત સમગ્ર પરિસરને રંગબેરંગી રોશની અને આસોપાલવના તોરણથી શણગારવામાં આવ્યું. જન્માષ્ટમીએ અહીં શામળિયાના દર્શન કરવાની સાથે સાથે મટકીફોડ સહિતના વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા પણ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રદ્ધાળુઓ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી શકે એ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

  અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ગુજરાતમાં અરવલ્લી જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ વર્ષનું આ આઝાદી પર્વ ઉજવાઇ રહ્યું છે. આ સ્વતંત્રતા પર્વ વિકાસનું પર્વ, વનબંધુ કલ્યાણનું પર્વ બને તે માટે મુખ્યમંત્રીએ ભેટ સ્વરૂપે કેટલીક મહત્વની જાહેરાત કરી હતી. તે અનુસાર શામળાજીને પવિત્ર યાત્રાધામ તરીકે જાહેર કરાયું છે. શામળાજી મંદિરમાં આગામી દિવસોમાં લાઇટ એન્ડ સાઉન્ડ ‘શૉ’શરૂ કરાશે .

(10:14 am IST)