ગુજરાત
News of Friday, 19th August 2022

આણંદમાં ઉપરવાસમાં પડેલ વરસાદના કારણોસર સાબરમતી નદી કાંઠાના 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યા

આણંદ : ઉપરવાસમાં થયેલા અવિરત વરસાદના કારણે કડાણા જળાશયમાં પાણીની આવક વધવા પામી છે. સાથે સાથે સંત સરોવરમાં પણ પાણીની આવક વધતા સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા ખંભાત નજીકથી પસાર થતી સાબરમતી નદી બે કાંઠે વહેવા લાગી છે. જેના પગલે ખંભાત તથા તારાપુર તાલુકાના ૧૩ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ સંભવિત પૂરની પરિસ્થિતિને લઈ મહી કાંઠાના આણંદ, ઉમરેઠ, બોરસદ તથા આંકલાવ તાલુકાના ગામોને પણ એલર્ટ કરાયા છે.

ઉપરવાસમાં અવિરત વરસાદ વરસતા સંત સરોવરમાં પાણીની આવક વધવા પામી છે. તા.૧૭ ઓગસ્ટના રોજ સવારના -૧૫ કલાકે સંત સરોવરનું જળ સ્તર ૫૪.૨૦ મીટરે પહોંચ્યું હતું. જેને પગલે સંત સરોવરમાંથી ૩૧૮૨૯ ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. સંત સરોવરના ૧૦ ગેટ ખોલવામાં આવ્યા છે. બીજી તરફ વાસણા બેરેજમાં પાણીની સપાટી ૧૨૭ ફૂટે પહોંચતા ૧૧ ગેટ પાંચ ફૂટની ઉંચાઈએ ખોલવામાં આવ્યા છે અને તેમાંથી પણ ૧૬૦૨૧ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સંત સરોવરમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા ખંભાત તથા તારાપુર નજીકથી પસાર થતી સાબરમતી નદી બે કાંઠે વહેવા લાગી છે. ઉપરાંત કડાણા જળાશયમાં પણ પાણીની આવક વધતા ૮૦ ટકા જેટલું જળાશય ભરાતા મહી નદીમાં પાણી છોડવાની સંભાવના છે. જેને પગલે વહીવટી તંત્રને એલર્ટ કરાયું છે. સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા તારાપુર તાલુકાના ગલીયાણા, રીંઝા, ખડા, મીલરામપુરા, ચીતરવાડા, દુગારી, નભોઈ, મોટા કલોદરા, ફતેપુર, પચ્છેગામ, કસ્બારા તેમજ ખંભાત તાલુકાના ગોલાણા અને પાંદડ ગામો મળી કુલ ૧૩ ગામોના નદી કાંઠે વસતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ મહીસાગર નદીમાં પણ પાણી છોડવાની સંભાવનાને પગલે આણંદ તાલુકાના ખાનપુર, ખેરડા, આંકલાવડી, રાજુપુરા, ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા, ખોરવાડ, બોરસદ તાલુકાના ગાંજણા, સલોલ, કંકાપુરા, નાની શેરડી, કોઠીયાખાડ, દહેવાણ, બદલપુર તથા વાલવોડ અને આંકલાવ તાલુકાના ચમારા, બામણગામ, ઉમેટા, ખડોલ, સંખ્યાડ, કહાનવાડી, આમરોલ, ભાણપુરા, આસરમા, નવાખલ, ભેટાસીવાંટા અને ગંભીરા ગામના કાંઠાગાળા વિસ્તારના લોકોને ખાસ તકેદારી રાખવા સૂચનાઓ અપાઈ છે. સાબરમતી તથા મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતા આણંદ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે અને તમામ અધિકારીઓને પરિસ્થિતિ ઉપર નજર રાખવા સૂચનાઓ આપી દેવામાં આવી છે.

(11:25 am IST)