ગુજરાત
News of Friday, 19th August 2022

વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પાછી ખેંચવા જાનથી મારી નાખવાની ધમકી આપનાર વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા:દંતેશ્વર વિસ્તારમાં આવેલી રામજી મંદિર ટ્રસ્ટની જમીનમાં ગેરકાયદે પગદંડો જમાવનાર લોકો સામે કરેલી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ બાદ તેઓ દ્વારા ટ્રસ્ટના પ્રમુખને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતા તે અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ટ્રસ્ટી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.

શ્રી રામજી મંદિર ટ્રસ્ટના  પ્રમુખ કમલેશ  પઢિયાર દ્વારા પોલીસ કમિશનર, મકરપુરા  પી.આઇ. તથા કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરીને જણાવવામાં આવ્યું છે કે,દંતેશ્વર શ્રી રામજી મંદિર પબ્લિક ટ્રસ્ટની જમીનમાં વર્ષો જૂનું રામજી મંદિર છે. મંદિર જીર્ણ થઇ ગયું હોવાથી જીર્ણોદ્ધાર કરવાનું નક્કી કર્યુ હતું.ટ્રસ્ટની  જમીનમાં કેટલાક લોકોને નિરાશ્રીત સમજી માનવતાના ધોરણે રહેવા માટે જગ્યા  આપી હતી.પરંતુ, તેઓએ  જમીનમાં પગદંડો જમાવી દીધો હતો.અને ટ્રસ્ટીઓએ વારંવાર જમીન ખાલી કરવા માટે કરેલી વિનંતીને પણ તેઓએ ધ્યાને લીધી નહતી.જેથી, અંગે કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ આપી હતી.જેની અદાવત રાખી જમીન પર દબાણ કરનાર તત્વો પૈકી દિનકરરાવ ચીમનરાવ જાદવ, ધર્મેન્દ્ર જાદવ, બાળાસાહેબ જાદવ, સુમિત જાદવ અને રવિ શર્મા મંદિરની અંદર ધસી આવ્યા હતા.તેઓએ મને ધમકી આપી જણાવ્યું હતું કે,તે અમારા પર લેન્ડ ગ્રેબિંગનો કેસ કેમ કર્યો છે ? તને બહુ ભારે પડી જશે.તું લેન્ડ  ગ્રેબિંગની ફરિયાદ પરત ખેંચી લે,નહીંતર તને જાનથી મારી નાંખીશું.હું વિદેશ જતો રહીશ, તારા ઘરવાળા કે પોલીસ મારૃં કંઇ બગાડી શકે નહીં.અમને તથા અમારા ટ્રસ્ટીઓને હત્યા થવાનો ડર લાગે છે.જેથી,અમને પોલીસ રક્ષણ આપવામાં આવે.

(11:29 am IST)