ગુજરાત
News of Friday, 19th August 2022

ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને લઇને આજે સમગ્ર ગુજરાત કૃષ્ણમય બન્યું ઃ દ્વારકા અને શામળાજી સહિતના મંદિરોમાં ભગવાનને અનોખો શણગાર

વહેલી સવારથી જ અનેક મંદિરોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર

રાજકોટ : આજે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે સમગ્ર દેશભરમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે આજે ગુજરાતમાં દ્રારકાધીશ મંદિર, ડાકોરનું રણછોડરાયનું મંદિર અને શામળાજી મંદિર સહિતના મંદિરોમાં ભગવાનને અનોખા પરિધાનથી શણગારવામાં આવ્યા છે. અલગ-અલગ મંદિરોમાં ભગવાનને અલગ-અલગ રીતે શણગારવામાં આવ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણની એક ઝલક નિહાળવા માટે વહેલી સવારથી જ અનેક મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને લઇને રાજ્યના સમગ્ર મંદિરોમાં કેવી તૈયારીઓ કરવામાં આવી છે તેને વિગતવાર અહીં જોઇશું.

દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવને લઇને ભક્તિમય માહોલ જામ્યો છે. જન્માષ્ટમીને લઇને દ્રારકાધીશ મંદિરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે અહીં જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. અહીં જન્માષ્ટમીના દિવસે ગોમતીઘાટ પર સ્નાનનું અનેરું મહત્વ રહેલું છે. કારણ કે આજના દિવસે ભક્તો સ્નાન કરીને જગતમંદિરમાં પ્રવેશ કરે છે. દ્રારકામાં દૂર-દૂરથી ભક્તો દ્વારકાધીશના દર્શને આવી રહ્યાં છે. કૃષ્ણ જન્મોત્સવને લઈને દ્વારકામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભગવાન દ્રારકાધીશને નીરખવા ભક્તોની લાંબી કતાર જોવા મળી છે. અવનવી રીતે ભગવાનને રીઝવવા ભક્તો તૈયાર થઇ ગયા છે. બાળ ગોપાલોને સાથે લઈને ભક્તો જગતમંદિર પહોંચી રહ્યાં છે. દ્વારકામાં જન્માષ્ટમી નિમિત્તે ભગવાનની એક ઝલક માટે લાંબી લાઈન લાગી છે. જન્માષ્ટમી નિમિત્તે દ્રારકાધીશ મંદિરમાં ભક્તોની ભારે ભીડના કારણે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

સાબરકાંઠાના શામળાજી મંદિરમાં ભગવાન શામળિયા શેઠ પીળા વાઘા અને સોનાવેશમાં જોવા મળશે. શામળાજીમાં ભક્તો ભગવાનના દર્શન કરીને ભાવવિભોર બન્યા છે. જણાવી દઇએ કે, શામળાજીમાં સાક્ષાત ભગવાન વિષ્ણુ બિરાજમાન છે. શંખ, ચક્ર અને ગદા સાથે અહીં વિષ્ણુ ભગવાનના દર્શન થાય છે. આજે ભગવાનના જન્મોત્સવની ઉજવણી નિમિત્તે અરવલ્લીની ગિરિમાળાઓ જય શામળિયાના નાદથી ગુંજી ઉઠી.

ડાકોરમાં ભગવાન રણછોડરાયને શૃંગાર ભોગ ધરાવાયો છે. અહીં ભગવાનને વિશેષ એવું સાંકળ માખણ ધરાવાયું છે. ભગવાનનો મહારાજાના સ્વરૂપે શણગાર કરાયો છે. ડાકોર મંદિર રાજા રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું. મંદિરમાં રણછોડરાયજીને પૂરી-શાક, અથાણું, દૂધ, ભજીયા, શિરો અને દહીં સહિતના પકવાનો ધરાવાયા.

જન્માષ્ટમીના તહેવાર પર સોમનાથમાં પણ ભક્તોની ભારે ભીડ
જન્માષ્ટમીના તહેવાર પર સોમનાથમાં પણ ભક્તોની ભારે ભીડ જામી છે. સોમનાથની આસપાસનો વિસ્તાર ભાવિકોથી ખીચોખીચ થઇ ગયો છે. હમીરજી સર્કલથી સોમનાથ મંદિર સુધી ભાવિકોની ભારે ભીડ જામી છે. સવારથી જ ગીર સોમનાથમાં હજારોની સંખ્યામાં અનેક ભક્તો ઉમટ્યા છે.
અમદાવાદ જગન્નાથ મંદિરમાં પણ જન્માષ્ટમીને લઇને તડામાર તૈયારીઓ
બીજી બાજુ અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ જન્માષ્ટમીને લઇને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અહીં મંદિરમાં સાંજે ભજન સંધ્યાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. અહીં રાત્રે ધામધૂમથી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાશે.

 

(12:06 pm IST)