ગુજરાત
News of Friday, 19th August 2022

આખરે મોડી રાત્રે મેહુલ બોઘરા પર હુમલા મામલે નોંધાઈ ફરિયાદ, એડવોકેટના સમર્થકોએ કર્યો હતો પોલીસ મથકનો ઘેરાવો

સુરતના સરથાણામાં પોલીસની હાજરીમાં યુવકને માર મારવાનો મામલો બિચક્યો છે ઃ સુરતમાં એડવોકેટ મેહુલ બોઘરાના સમર્થનમાં યુવાનોએ મોડી રાત્રે પોલીસ સ્ટેશનમાં ધામા નાખ્યા છે

સુરત ઃ સુરતમાં જે વ્યક્તિ પર હુમલો કરવાનો વીડિયો સામે આવ્યો હતો તે પીડિત યુવક એડવોકેટ મેહુલ બોઘરા હોવાનું સામે આવ્યું છે. પોલીસની હાજરીમાં માર મારતો વીડિયો સામે આવ્યો હતો. આ મારામારીની ઘટના બાદ પણ પોલીસે કાર્યવાહી ન કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મોડી રાત્રે એડવોકેટના સમર્થનમાં યુવાનોના પોલીસ સ્ટેશન પર ધામા નાખ્યા છે. મોટી સંખ્યામાં લોકો સરથાણા પોલીસ મથકે પહોંચ્યા છે. પોલીસે ફરિયાદ ન લેતા સમર્થકોએ પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો. મળતી માહિતી અનુસાર, આ જીવલેણ હુમલા પર આખરે મોડી રાત્રે મેહુલ બોઘરાની કલમ 307 હેઠળ ફરીયાદ નોંધવામાં આવી.

સુરત શહેરમાં મેહુલ બોઘરા અવારનવાર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવતા ઉઘરાણાનો પર્દાફાશ કરતા નજરે પડી ચૂક્યા છે, જેનું તેઓ સોશિયલ મીડિયા પર લાઇવ કરતા હોય છે. તેવામાં હવે આ સુરતના લસકાણા પોલીસ ચોકી પાસે આ એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલાની ઘટના બની હતી. ટ્રાફિક પોલીસ અને તેમના મળતીયાઓ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. આખા સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ અને તેમના મળતીયાઓ દ્વારા ઉઘરાણીનો મુદ્દો ખુબ ચર્ચાઈ રહ્યો છે. ત્યારે સરથાણા વિસ્તારમાં પોલીસ વાહનોના દંડ ઉઘરાવતી હતી. લસકાણા પોલીસ ચોકી પાસે પહોંચીને મેહુલ બોઘરાએ સોશિયલ મીડિયામાં લાઈવ કરવાનો પ્રયાસ કરતા તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. એડવોકેટ પર રીક્ષામાં રાખેલી લાકડી વડે ઉપરાછપરી અનેક વખત માર મારવામાં આવ્યો હતો. જેને લઇને ઇજા પહોંચતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હુમલા બાદ પ્રથમ પ્રતિક્રિયા આપતા એડવોકેટ મેહુલ બોઘરાએ કહ્યું કે, આ લોકો અવાર નવાર કેનાલ રોડ પર ઓટો રિક્ષામાં હપ્તા ઉઘરાણી કરતા હતા. જેથી મેં તેમને કહ્યું હતું કે, આ હપ્તા ઉઘરાણા કરો છો તે બંધ કરીદો. જેને લઇને તેમણે મને વોર્નિંગ આપી હતી અમને બીજી વખત બતાયો તો મારી નોકરી ભલે ચાલી જાય, વરદી ભલે ઉતરી જાય, તને પતાવી દઇશું. ત્યારે ફરી ત્યાં ગયો ત્યારે હું તૈયારીમાં જ હતો, તે લોકો પણ તૈયારમાં હતા. મારા પર જીવલેણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો. તેમની રિક્ષામાં હથિયારો રાખેલા જ હતી. 3 પોલીસવાળા અને 3 અન્ય ઇસમો હતો, હું ત્યા ગયો ત્યારે ઉપરા છપરી મને દંડાના ઘા મારવાના શરૂ કરી દીધા.

 

(12:07 pm IST)