ગુજરાત
News of Friday, 19th August 2022

વિઝાના નામે છેતરપિંડી: ભારે પડ્યો વિદેશ જવાનો મોહ, કેનેડાના વિઝા આપવાનું કહી એજન્ટે સુરતના યુવકને ૧.પ લાખમાં નવડાવ્યો ઃ માત્ર 20 દિવસમાં ડુપ્લિકેટ વિઝા બનાવી મોકલ્યા

દેશમાં હવે સતત ગુજરાતીઓ સાથે કેનેડા અને ઓસ્ટ્રેલિયાના વિઝા અપાવવાના નામે છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યાં છે. કારણ કે તાજેતરમાં જ આવા બે કિસ્સાઓ સામે આવી ચૂક્યાં છે. ત્યારે ફરીવાર આવો જ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
એજન્ટ થ્રુ કેનેડા જતા હોવ તો ચેતી જજો. કારણ કે કેનેડાના વિઝાના નામે સુરતમાં છેતરપિંડી આચરવામાં આવી છે. સરથાણામાં ચંદ્રેશ નામના વ્યક્તિએ વિઝાના નામે રૂ. 1.5 લાખ ગુમાવ્યા છે. સોશિયલ મીડિયા પર જાહેરાત જોઈને ચંદ્રેશ નામની વ્યક્તિએ ગઠિયાનો સંપર્ક સાધ્યો હતો.
હર્ષ ચૌહાણ નામની વ્યક્તિએ ચંદ્રેશને વિઝા આપવાનું કહ્યું હતું. આથી વિઝાની પ્રોસેસ માટે ડોક્યુમેન્ટ્સ અને પૈસા તેઓએ ટ્રાન્સફર કર્યા હતા. માત્ર 20 દિવસમાં જ આ એજન્ટે કેનેડાના ડુપ્લિકેટ વિઝા બનાવી મોકલ્યા હતા. બાદમાં ચંદ્રેશે કેનેડા રહેતી પોતાની બહેન પાસે વિઝાની ખરાઈ કરાવી હતી. જેમાં તપાસ કરતા તે વિઝા નકલી હોવાનો ખુલાસો થયો. આથી, ચંદ્રેશને છેતરાયાની જાણ થતા જ તુરંત ચંદ્રેશ નામની વ્યક્તિએ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયામાંથી ઈમિગ્રેશન કૌભાંડ ઝડપાયું હતું. જેમાં બોગસ વિદ્યાર્થીઓએ ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ લીધો હોવાનો ખુલાસો થયો હતો. ઓસ્ટ્રેલિયામાં IHRA (ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોશિએશન) ની તપાસમાં મસમોટું ઈમિગ્રેશન કૌભાંડ સામે આવ્યું હતું.
આ ઈમિગ્રેશન કૌભાંડમાં ખોટા બેન્ડ મળ્યાના સર્ટિફિકેટથી અનેક વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. વિદ્યાર્થીઓને બોગસ બેન્ડ સર્ટિ, બોગસ ડિગ્રી અને બોગસ એજ્યુકેશન બેન્ક લોન સર્ટિથી વિદેશ મોકલ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આથી, ઓસ્ટ્રેલિયામાં 3 હજાર 500 જેટલાં ગુજરાતીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી.
તમને જણાવી દઇએ કે, ગેરકાયદે મોકલનારા એજન્ટો વિદ્યાર્થીઓને ખોટા ડોક્યુમેન્ટ સુધી બનાવી આપે છે. આ બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે વિઝા મેળવવામાં આવે છે. મહત્વનું છે કે, IHRAના સભ્યો ઓસ્ટ્રેલિયામાં છેલ્લા બે વર્ષથી આ મામલે તપાસ કરતા હતા.

 

(1:10 pm IST)