ગુજરાત
News of Friday, 19th August 2022

સુરતમાં 65 હજારથી વધુ ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટેમાટે 18 જેટલા કૃત્રિમ તળાવો બનાવવા મનપાનું આયોજન

છેલ્લા કેટલાક વર્ષોથી લોકો દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિની પ્રતિમા બનાવવામાં આવતી હોવાથી હવે ઘર આંગણે પણ પ્રતિમાઓનું વિસર્જન વધ્યું જેથી કોર્પોરેશન પર તેનું પણ ભારણ ઘટ્યું

સુરત : શહેરમાં આગામી ગણેશોત્સવ માટેની તૈયારીઓ જોરશોરમાં શરૂ કરી દેવામાં આવી છે. સુરતમાં આ વર્ષે 65 હજાર કરતા પણ વધુ નાની મોટી ગણેશજીની પ્રતિમાનું સ્થાપન થવાની સંભાવના છે. ચાલુ વર્ષે કોરોનાનો ભય લોકોના દિલો દિમાગ પરથી દૂર થઇ ગયો છે. અને આ વર્ષે ગણપતિ ઉત્સવની ઉજવણી મોટા પાયે થાય તેવી ધારણા છે.ગણેશોત્સવની સાથે સાથે આયોજકોની જેમ વહીવટી તંત્ર પણ તૈયારીઓ માં લાગી ગયું છે. અને વિસર્જન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

આ વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 65 હજારથી પણ વધારે ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન માટે કુલ 18 જેટલા કૃત્રિમ તળાવો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

છેલ્લા કેટલાય વર્ષોથી સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં પાણીનું પ્રદુષણ ઘટાડવાના હેતુથી એનજીટી અને હાઇકોર્ટના આદેશ ને ધ્યાનમાં રાખીને નદીમાં કોઈપણ ધાર્મિક પ્રતિમા કે ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન પર રોક લગાવવામાં આવી છે. જેને જોતા કોર્પોરેશન દ્વારા દર વર્ષે ગણપતિના વિસર્જન માટે કૃત્રિમ તળાવો બનાવવામાં આવે છે.

આ વર્ષે પણ કોર્પોરેશન અલગ અલગ ઝોનમાં 18 જેટલા કૃત્રિમ તળાવો બનાવવા જઈ રહ્યું છે. જેના માટે 192 ડમ્પર, ટ્રક , કૃત્રિમ તળાવો બનાવવાની કામગીરીમાં જોતરાઈ ગયું છે. ખાસ કરીને અલગ અલગ ઝોનમાં જે તળાવોની જગ્યા રાખવામાં આવી હતી તે જ જગ્યા પર આ કૃત્રિમ તળાવો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

 

(1:27 pm IST)