ગુજરાત
News of Friday, 19th August 2022

નારદીપુરનું તળાવ ઉર્જાનું કેન્દ્ર બનશે: અમિતભાઈ શાહ

પોતાના ગામને સ્વચ્છ-સુંદર રાખવા દરેકે દાનત અને શ્રમનું મૂડીરોકાણ કરવું પડશે : અમિતભાઈ શાહ: જન્માષ્ટમીએ ગાંધીનગરના નારદીપુરમાં તળાવ પરિસરમાં અમિતભાઈ શાહ દ્વારા નક્ષત્રવનમાં વડ-આમળાનું વૃક્ષારોપણ: 'મિશન મિલિયન ટ્રી' અંતર્ગત વૃક્ષારોપણ કારસેવા દરમિયાન નારદીપુર તળાવ પરિસરમાં ૪,૦૦૦ વૃક્ષો વાવવાનો-ઉછેરવાનો સંકલ્પ

ગાંધીનગર: જન્માષ્ટમીના  પાવન પર્વે ભારતના ગૃહ અને સહકાર મંત્રી  અમિતભાઈ શાહે ગાંધીનગર જિલ્લાના નારદીપુર ગામના તળાવ પરિસરમાં વટ વૃક્ષ વાવ્યું હતું. ભરણી નક્ષત્રમાં જન્મેલા અમિતભાઈ શાહે નક્ષત્ર વન અંતર્ગત કરેલા વૃક્ષારોપણમાં પોતાના નક્ષત્રના આરાધ્ય વૃક્ષ આમળાનો છોડ પણ આવ્યો હતો. નારદીપુર તળાવના સૌંદર્યીકરણ પ્રોજેક્ટ અંતર્ગત ૪,૦૦૦ વૃક્ષોના વાવેતર અને ઉછેરનો સંકલ્પ છે. 'ગાંધીનગર લોકસભા-હરિયાળી લોકસભા' અભિયાન અંતર્ગત મિશન મિલિયન ટ્રી ઝુંબેશમાં આજે નારદીપુરમાં વૃક્ષારોપણ કારસેવા કાર્યક્રમ યોજાયો હતો.
 
ગૃહ અને સહકાર કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહે સૌને કૃષ્ણ જન્મોત્સવ-જન્માષ્ટમીની શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું હતું કે, ભગવાન શ્રીકૃષ્ણના જીવનનો અભ્યાસ કરીએ તો આશ્ચર્ય થાય કે, એક જ વ્યક્તિમાં આટલું વૈવિધ્ય કેવી રીતે હોઈ શકે! ભગવાન શ્રીકૃષ્ણ યોગી સ્વરૂપે પણ છે અને મહાન સંગીતકાર તરીકે પણ આપણે તેમને ઓળખીએ છીએ. ગીતાના રચયિતા અને તત્વજ્ઞાનના પ્રણેતા પણ શ્રીકૃષ્ણ છે તો ચારુણ અને કંસનો વધ કરનાર મહાન મલ્લ પણ ભગવાન શ્રીકૃષ્ણ છે. સારંગ ધનુષ્યના ધારણકર્તા શક્તિશાળી ધનુર્ધારી શ્રીકૃષ્ણ છે, તો પંચજન્યધારી મહાન રણનીતિકાર પણ ભગવાન શ્રીકૃષ્ણ છે. અધર્મનો નાશ કરીને ધર્મની સ્થાપના માટે 'સંભવાની યુગે યુગે'નો સંદેશો આ સૃષ્ટિને આપનાર ભગવાન શ્રીકૃષ્ણ દરેકના મનમાં બિરાજે છે. 
 
આજના આ પાવન પર્વે દ્વારકાથી લઈને આસામ સુધી અને વૈષ્ણોદેવીથી લઈને કન્યાકુમારી સુધી સમગ્ર ભારતમાં દરેક નાગરિક ભક્તિભાવપૂર્ણ ઉમળકાભેર જન્માષ્ટમીની ઉજવણી કરી રહ્યો છે. સમગ્ર વિશ્વમાં આ એક જ જન્મદિવસ એવો છે કે, કોઈ જાતના આમંત્રણ વિના દરેક વ્યક્તિ મધરાતે ૧૨.૦૦ વાગ્યાની રાહ જોઈને પોતાના ઘરમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવે છે.  લોકો આખો દિવસ ઉપવાસ કરે છે અને મધરાતે પંજરીના પ્રસાદથી મોઢું મીઠું કરે છે. આવા આ પાવન પર્વે તેમણે નારદીપુર અને આસપાસના સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
ગાંધીનગરના સાંસદ અમિતભાઈ શાહે કહ્યું હતું કે, નારદીપુરનું આ તળાવ ઉર્જા કેન્દ્ર બનવું જોઈએ. નારદીપુર તળાવના સૌંદર્યીકરણ પ્રોજેક્ટના પ્રારંભે નારદીપુરની સ્વચ્છતાના અને નારદીપુરને હરિયાળું કરવાના સંકલ્પ કર્યા હતા. નારદીપુર તળાવના પરિસરમાં ૪,૦૦૦ વૃક્ષો વાવવાનો સંકલ્પ છે. જન્માષ્ટમીના પવિત્ર પર્વે આ પરિસરમાં નક્ષત્ર વનનું વાવેતર થઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, દરેક વ્યક્તિ એક વૃક્ષ સાથે જોડાયેલી છે. વૃક્ષ વ્યક્તિના સ્વભાવની ઉણપનું સમન પણ કરે છે. નારદીપુર તળાવના સૌંદરીકરણ પ્રોજેક્ટની જવાબદારી જે.એસ.ડબલ્યુ. ઇનિસીએટીવ્સ દ્વારા લેવામાં આવી છે. તેમણે આ માટે જે.એસ.ડબલ્યુ.ના અધિકારીઓને અભિનંદન આપ્યા હતા.તેમણે નારદીપુરના નાગરિકોને તાકીદ કરી હતી કે તળાવની સ્વચ્છતા જાળવવાની જવાબદારી ગામના યુવાનો લે તે જરૂરી છે.
પ્રધાન મંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે પ્રત્યેક જિલ્લામાં ૭૫ તળાવોના નિર્માણનું આહવાન કર્યું હતું. અમિતભાઈ શાહે ગાંધીનગર સંસદીય મતવિસ્તારમાં ૧૦ મોટા તળાવ પસંદ કરીને તેના વિકાસ માટે કામગીરી હાથ ધરી છે. તેમણે કહ્યું હતું કે, ગામના નાગરિકો પોતાના ગામના તળાવોની જાળવણી કરે અને ગંદકી ન કરે તે જરૂરી છે. ગામને સ્વચ્છ અને સુંદર રાખવા દરેકે મૂડીરોકાણ કરવું પડશે; આ મૂડીરોકાણ મૂડીનું નહીં પણ આશયનું રોકાણ છે, શ્રમનું રોકાણ છે. તેમણે કહ્યું હતું ,કે દરેક ગામમાં યુવાનોની કમિટી બને અને યુવાનોની આ કમિટી ગામની અને તળાવની સ્વચ્છતાની ચિંતા કરે. તળાવમાં પાણીના આવરાની ચિંતા કરે અને તળાવ પરિસરના સંચાલનની જવાબદારી નિભાવે. અમિતભાઈ શાહે દરેક નાગરિકોને અપીલ કરી હતી કે, પરિવારના પ્રત્યેક સભ્ય દીઠ દરેક પરિવારે વૃક્ષો વાવવા જોઈએ અને તેના ઉછેરની જવાબદારી સંભાળવી જોઈએ.
ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્ય  શંભુજી ઠાકોર, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ  દિલીપભાઇ પટેલ, ગાંધીનગર જિલ્લાના આગેવાનો અનિલભાઇ પટેલ, હર્ષદભાઇ પટેલ, ઋત્વિજભાઇ પટેલ સહિત પદાધિકારીઓ, ગાંધીનગર જિલ્લાના ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌતમ, જિલ્લા પોલીસ વડા તરુણકુમાર દુગ્ગલ, નિવાસી અધિક કલેકટર રીતુ સિંઘ, કલોલ પ્રાંત અધિકારી ક્રિષ્નાબા વાઘેલા અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

(6:53 pm IST)