ગુજરાત
News of Saturday, 20th August 2022

દિલ્હીના રામલીલા મેદાનમાં વિરોધી રેલી યોજી કોંગ્રેસી નેતાઓ મોદી સરકાર સામે શક્તિપ્રદર્શન કરશે

ગુજરાતમાંથી કોંગ્રેસના નેતાઓને એક લાખ લોકોને દિલ્હીમાં ખડકી દેવાનું કહેવાયું હોવાનો કોંગ્રેસનાં સૂત્રોનો દાવો : કોંગ્રેસ નેતા દોડતા થયા

ગાંધીનગર  : આગામી ચુંટણીને લઈ તમામ રાજકીય પક્ષો હરકતમાં આવ્યા છે. આ તરફ હવે દિલ્હીના રામલીલા મેદાનમાં 28 ઓગસ્ટે કોંગ્રેસી નેતા મોંઘવારી અને બેરોજગારી વિરોધી રેલી યોજીને મોદી સરકાર સામે શક્તિપ્રદર્શન કરશે. જેને લઈ ગુજરાતમાંથી કોંગ્રેસના નેતાઓને એક લાખ લોકોને દિલ્હીમાં ખડકી દેવાનું કહેવાયું હોવાનો કોંગ્રેસનાં સૂત્રોનો દાવો છે.

રામલીલા મેદાનની રેલીમાં ભીડ એકઠી કરવાની જવાબદારી રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને સોંપાઈ છે. રાજસ્થાન કોંગ્રેસ શાસિત રાજ્ય છે અને દિલ્હીની નજીક છે તેથી ગેહલોતને જવાબદારી અપાઈ છે. ગેહલોત ગુજરાત કોંગ્રેસના મુખ્ય ચૂંટણી નીરિક્ષક હોવાથી તેમણે ગુજરાતના નેતાઓને પણ ટાર્ગેટ આપી દીધો છે. દિલ્હી-હરિયાણાના નેતાઓને પણ ટાર્ગેટ આપવામાં આવ્યા છે.

આ મુદ્દે કોંગ્રેસ હાઇકમાન્ડ જન્માષ્ટમીના દિવસે બેઠક કરી હતી. આ બેઠકમાં દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા અને હિમાચલના પ્રદેશ પ્રમુખોને બોલાવવામાં આવ્યા છે. તમામ રાષ્ટ્રીય મહામંત્રી અને રાજ્યના પ્રભારીઓ ઉપરાંત બંને મુખ્યમંત્રી અશોક ગહેલોત, ભુપેશ બઘેલ પણ હાજર હતા.

ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ દિલ્હીમાં પોતાની તાકાત બતાવીને ભાજપ તથા આમ આદમી પાર્ટી બંનેને પડકારવા માગે છે.

(9:43 pm IST)