ગુજરાત
News of Friday, 19th August 2022

જન્માષ્ટમીના દિવસે કેન્દ્ર સરકારે ભેટ સ્વરૂપે નવસારીની મેડિકલ કોલેજને મંજૂરી આપી

કેન્દ્ર સરકાર સરકારે મંજુર કરેલ કોલેજોમાં MBBSના અભ્યાસ માટે 100 બેઠકની ફાળવણી કરવામાં આવી : નવસારીમાં મેડિકલ કોલેજ યશ કલગી ઉમેરશે

નવાસરી : જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે સરકારે નવસારીવાસીઑને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકાર દ્વારા નવસારી જિલ્લામાં મેડિકલ કોલેજની માંગ પર મંજૂરીની મહોર લગાવવામાં આવી છે. કેન્દ્ર સરકાર સરકારે મંજુર કરેલ કોલેજોમાં MBBSના અભ્યાસ માટે 100 બેઠકની ફાળવણી કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કોલેજ કાર્યરત કરાવવાની નેમ વ્યક્ત કરી છે. જેમાં નવસારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ યશ કલગી ઉમેરશે. જેના થકી દક્ષિણ ગુજરાતના નાગરિકોને સ્થાનિક સ્તરે આરોગ્યલક્ષી સેવાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ બનશે. નવસારીવાસીઑની માંગને લઈને આજે નવસારીને નવી મેડીકલ કોલેજની મંજૂરી ભેટ સરકાર તરફથી આપવામાં આવી છે. નવસારી સિવિલ હોસ્પિટલમાં જ 350 બેડની અત્યાધુનિક સુવિધાથી સજ્જ મેડિકલ કોલેજ બનશે અને આ માટે રાજ્ય સરકારે 20 એકર જમીન પણ ફાળવી આપી છે. અંદાજીત 1.50 લાખ સ્કેવર મીટર વિસ્તારમાં સમગ્ર કેમ્પસ નિર્માણ પામશે. જેમાં 23 હજાર સ્કેવર મીટરમાં મેડિકલ કોલેજ જ્યારે 65 હજાર સ્કેવર મીટર વિસ્તારમાં હોસ્પિટલ કેમ્પસ કાર્યરત થનાર છે. જેમાં રૂઢિગત પ્રણાલી ઉપરાંત ડિજીટલ શિક્ષણ મેળવવામાં સરળતા રહેશે.

અગાઉ રાજ્ય સરકારે રાજપીપળા, મોરબી અને નવસારી એમ ત્રણ નવી મેડીકલ કોલેજ માટે દરખાસ્ત મોકલી હતી. જેને પગલે નેશનલ મેડીકલ કાઉન્સીલ તરફથી મંજૂરી નવસારીમાં મંજૂરી અપાઈ છે. નવી મેડીકલ કોલેજોમાં લેબોરેટરી, લાયબ્રેરી, હોસ્ટેલ્સ, ટયૂટર અને પેરામેડીકલ સ્ટાફની સગવડતા મળશે. ગુજરાતના મેડિકલ કોલેજ મંજૂર થતા વિદ્યાર્થીઓને તબીબી અભ્યાસ માટે મોંઘી ફી ભરીને રાજ્ય બહાર ગયા વિના રાજ્યમાં ઘરઆંગણે જ તબીબી શિક્ષણની સુવિધા મળી રહેશે.

(11:56 pm IST)