ગુજરાત
News of Friday, 20th November 2020

અમદાવાદમાં કરફ્યુનો નિર્ણય સરકારની નિષ્ફળતા: સંક્રમણ અટકાવવા કોઇ પગલાં ના ભર્યા: હવે સખ્તી અયોગ્ય :કોંગ્રેસ

ભાજપ સરકારની નિષ્ફળતાની સૂચિમાં એક વધુ ઉમેરો : નિર્ણયો લઈને યુ-ટર્નની સરકારની નીતિ

અમદાવાદમાં 20 નવેમ્બરથી 2 દિવસ સંપૂર્ણ કરફ્યુ અને નવી સૂચના ન મળે ત્યાં સુધી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હવે આ જાહેરાત બાદ કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા છે. રાજ્ય સરકારના કરફ્યુના નિર્ણય બાદ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે ટ્વીટ કર્યું છે. રાજીવ સાતવ એ ટ્વીટ કરી સરકારને નિષ્ફળ ગણાવી છે. તેમણે લખ્યું કે, ગુજરાત ભાજપ સરકારની નિષ્ફળતાની સૂચિમાં એક વધુ ઉમેરો થયો છે. ભાજપ સરકારે કોવિડના આંકડાઓ છુપાવ્યા છે. સંક્રમણને અટકાવવા માટે કોઈ યોગ્ય પગલાં ના ભર્યા, હવે કર્ફ્યુ જેવું સખ્ત પગલું ભરવામાં આવ્યા જે અયોગ્ય છે.

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ટ્વીટ કરીને લખ્યું કે, તઘલકી શાસકોના નિર્ણયો, ભોગ બનતી પ્રજા. નમસ્તે ટ્રમ્પનો સુપરસ્પ્રેડર કાર્યક્રમ, લૉકડાઉનમાં ઓછા ટેસ્ટિંગ. સરકાર નિયમો-કાયદાની અમલવારી કરાવવામાં નિષ્ફળ. વહીવટીતંત્ર પર પકડ, સંકલનનો અભાવ. નિર્ણયો લઈને U-Turnની સરકારની નીતિ. પોતાની નિષ્ફળતાનુ ઠીકરુ પ્રજા પર ફોડવાની નીતિ.

(1:14 am IST)