ગુજરાત
News of Friday, 20th November 2020

IIFL બેંકનો મેનેજર જ કરોડોના સોના લૂંટનો માસ્ટર માઇન્ડ

એ કુવિખ્યાત ગેંગ દ્વારા સાઉથ ગુજરાત અને મુંબઇમાં કરોડોનું સોનુ લૂંટી લાભપાંચમનું મુહુર્ત કરવાનું ખોફનાક ષડયંત્ર રચાયાનો ધડાકો : આઇજીપી હરીકૃષ્ણ પટેલ અને ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શનમાં મુંબઇ અને વલસાડ પોલીસની મદદથી અંકલેશ્વરની કરોડો રૂપીયાના સોના તથા લાખોની રોકડ રકમના આરોપીઓને ઝડપવામાં કાબીલેદાદ કામગીરી બજાવનાર ભરૂચ એલસીબી પીઆઇ જયરાજસિંહ ઝાલા અકિલા સમક્ષ દિલધડક કથા વર્ણવે છે

રાજકોટ, તા., ૨૦: સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર દિપોત્સવીના તહેવારોની તૈયારીઓ વચ્ચે સોના ધીરાણ કરતી અંકલેશ્વરની આઇઆઇએફએલ બ્રાન્ચમાંથી  ૩ કરોડથી વધુ સોનાની તથા લાખોની રોકડ રકમની લૂંટ કરવાના ચકચારી મામલામાં ભરૂચ એલસીબીએ સુરત સહીત સમગ્ર સાઉથ ગુજરાતમાં ટેકનીકલ સર્વેલન્સ દ્વારા ઓપરેશન હાથ ધરી ઝડપી પાડેલ ગેંગનો માસ્ટર માઇન્ડ આઇઆઇએફએલ બેન્કનો  મેનેજર જ માસ્ટર માઇન્ડ નિકળ્યાનો ધડાકો થયો છે.

ઉકત બાબતે સમગ્ર ઓપરેશનની રણનીતી તૈયાર કરી વડોદરા રેન્જ વડા હરીકૃષ્ણ પટેલ તથા ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા જેવા અનુભવીઓના માર્ગદર્શનમાં કાર્યવાહી કરનાર એલસીબી પીઆઇ જયરાજસિંહ ઝાલાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે આ ગેંગ ઝડપાઇ ન હોત તો સમગ્ર સાઉથ ગુજરાત અને મુંબઇમાં  કેટલાક સ્થળોએ કરોડોના સોનાની તથા રોકડની લૂંટ કરવાની આખી યોજના ગેંગ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. યોગાનુયોગ ર૦૧૭માં આઇઆઇએફએલ બ્રાન્ચમાં નવસારી જીલ્લાના ચીખલી બ્રાન્ચમાં થયેલી સોનાની લૂંટનો ભેદ પણ ખુલ્યો છે.

પીઆઇ જયરાજસિંહ ઝાલાએ જણાવેલ કે બનાવની ગંભીરતા સમજી આઇજીપી અને એસપી દ્વારા તાત્કાલીક સ્થળ પર જ ચર્ચા કરી સમગ્ર રેન્જ પોલીસને કામે લગાડવામાં આવી હતી. બાતમીદારોની સાથોસાથ ટેકનીકલ સર્વેલન્સને કારણે ઘટનાના ૧૨ કલાકમાં જ ગુન્હામાં વપરાયેલ સફેદ કલરની સ્વીફટ કાર શોધી પોકેટ કોપની મદદથી આરોપી સુધી પહોંચી ૪ આરોપીઓને પકડી જીલ્લા એલસીબીએ લાવી ક્રોસ ઇન્ટ્રોગેશન તથા આગવી ઢબે પુછપરછ કરતા જ આરોપીઓ દ્વારા લૂંટની કબુલાત આપવા સાથે તાત્કાલીક મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

સમગ્ર લૂંટારૂ ગેંગનો માસ્ટર માઇન્ડ મોહસીન મલેક ર૦૧૧માં વાપી ખાતે આઇઆઇએફએલમાં ગોલ્ડ લોન રીકવરી મેનેજર તરીકે એક વર્ષ ફરજ બજાવી હોવાથી  તમામ કાર્યશૈલીથી વાકેફ હતો. આરોપીઓ દ્વારા રેકી પણ કરવામાં આવી હતી. અન્ય આરોપીઓ સલીમખાન વિગેરે કુવિખ્યાત ગુન્હેગારો છે. અંકલેશ્વર વિસ્તારમાં સીસીટીવી કેમેરા લાગ્યા ન હતા તેવા વિસ્તારમાંથી ભાગવાનો રૂટ નક્કી કર્યો હતો. પરંતુ શોપીંગ સેન્ટરના સીસીટીવી કેમેરાઓ ચાડી ખાઇ ગયા હતા.

અકિલા સાથેની વાતચીતના અંતે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર જયરાજસિંહ ઝાલાએ વિશેષમાં જણાવેલ કે સમગ્ર ઓપરેશન પાર પાડવા અને ચારેય આરોપીઓને ઝડપી લેવા માટે વલસાડ તથા મુંબઇ પોલીસની મદદ લેવામાં આવી હતી.  ગણત્રીના સમયમાં ભેદ ઉકેલનાર એલસીબી પીઆઇ તથા ટીમને આઇજી હરીકૃષ્ણ પટેલ તથા એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા વિગેરે દ્વારા બિરદાવવામાં આવ્યા હતા.

(12:27 pm IST)