ગુજરાત
News of Friday, 20th November 2020

સુરતમાં કરપીણ હત્યાનો સિલિસિલો યથાવતઃ તલવાર લઈને નીકળેલા શખ્સનું ઢીમ ઢાળી નાખ્યું

સુરતઃ સુરત શહેરમાં તહેવારોમાં પણ કરપીણ હત્યાઓનો સિલિસિલો યથાવત રહ્યો છે. શહેરમાં માથાભારે શખ્સોના હંગામાની દ્યટનાઓ વચ્ચે ડીંડોલી વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. બનાવની વિગતો એટલી ચકચારી છે કે જાણીને કોઈ પણ વ્યકિતને આંચકો લાગી શકે. સુરતના ડીંડોલીની શ્રીનાથ નગર સોસાયટીમાં દારૂના નશામાં ખુલ્લેઆમ તલવાર લઇ નીકળેલા માથાભારે યુવાનને લાકડાના ફટકા અને પથ્થર વડે માર મારી હત્યા નીપજવામાં આવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી માથાભારે યુવાનને રહેંસી નાંખનાર પાંચની અટકાયત કરી છે.

સુરત ના ડીંડોલી-નવાગામ રોડ સ્થિત શ્રીનાથ નગર સોસાયટીના પ્લોટ નં. ૩૧૦માં રહેતો માથાભારે આકાશ હરિરામ સહાની ચારેક દિવસ અગાઉ રાત્રે ૮ વાગ્યાના અરસામાં દારૂના નશામાં ચૂર હાલતમાં ખુલ્લી તલવાર લઇ સોસાયટીમાં નીકળ્યો હતો. નશામાં ધૂત આકાશે ખુલ્લામાં તલવારબાજી શરૂ કરી દેતા એક યુવાનને ઇજા થઇ હતી.

જેથી સોસાયટીમાં રહેતા રાજન બચ્ચુ ચૌધરી, રામ બબ્બન, લકુવા રામ બબ્બન, રામ બબ્બનના સાળો, મુન્નો અને બબલુ રાજકુમાર ચૌધરી દોડી આવ્યા હતા. આ તમામે આકાશને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમની સાથે પણ ગાળાગાળી કરી હતી અને તેમના ઉપર પણ તલવાર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

જેથી ઉપરોકત તમામે લાકડાના ફટકા અને છુટા પથ્થર આકાશને માર્યા હતા. જેમાં આકાશને હાથ-પગ, છાતી અને મોંઢાના ભાગે ઇજા થતા તે ત્યાં જ બેભાન થઇ ગયો હતો.જેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. પરંતુ તબીબોએ આકાશને મૃત જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આકાશના પિતા હયાત નથી અને તેની માતા તથા બે બહેન લોકડાઉન બાદ વતન ખાતે રહે છે અને ખેતીકામ કરે છે. ડીંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી પાંચેયની અટકાયત કરી છે.

(12:59 pm IST)