ગુજરાત
News of Friday, 20th November 2020

અમદાવાદમાં કર્ફ્યૂના કારણે ૧૬૦૦ જેટલા લગ્ન અટકયાઃ કરોડોના નુકસાનને આયોજકોનું ટેન્શન વધાર્યુ

લગ્નસરાની સિઝનમાં કફ્ર્યૂઃ વધારી ચિંતા : ઇવેન્ટ મેનેજમેન્ટના લોકોની વધી ચિંતા : લગ્ન રદ્દ થતાં થશે મોટું નુકસાન

અમદાવાદ, તા.૨૦: ગુજરાતમાં હાલ તહેવારો બાદ કોરોનાએ માઝા મૂકી છે કોરોનાની બીજી લહેરને કારણે અમદાવાદમાં તાબડતોડ કર્ફ્યૂ લાદવાની જાહેરાત કરી છે. ત્યારે હવે લગ્નોના મુહૂર્ત અટકી પડતા આયોજકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.

અમદાવાદમાં ઇવેન્ટ મેનેજમેન્ટના લોકોની ચિંતા વધી છે. સોલા ભાગવત પાસે ઇવેન્ટ મેનેજમેન્ટના લોકો એકઠા થયા છે અને પોતાની વાત રજૂ કરી રહ્યા છે. લગ્ન રદ્દ થાય તો કરોડોનું નુકસાન થાય  તેમ છે.

કરફ્યુને કારણે ૧૬૦૦ જેટલા લગ્ન અટકી પડ્યા છે. ૨૨ થી ૨૪ નવેમ્બર દરમિયાન ૧૬૦૦ જેટલા લગ્નનું આયોજન છે. લગ્ન રદ્દ થાય તો ઇવેન્ટ મેનેજમેન્ટના લોકોને ખૂબજ નુકસાન થશે.

રાજીવ ગુપ્તાએ ટ્વિટ કરીને લખ્યું કે, મોડીરાત્રે કોરોના પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક બાદ એવું નક્કી કરવામાં આવ્યું છે કે આજે રાત્રે ૯ વાગ્યાથી સોમવારે સવારે ૬ વાગ્યે સુધી અમદાવાદ શહેરમાં 'સંપૂર્ણ કરફ્યુ' લગાવવામાં આવશે. આ સમયગાળા દરમિયાન માત્ર દૂધ અને દવાઓ વેચતી દુકાનોને જ ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અગાઉ પણ એક નિર્ણય લેવાયો છે. જેમાં આજ રાત્રે ૯થી સવારે ૬ વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા સ્થિતિને કાબૂમાં લેવા નિણર્ય કરાયો છે. બેદરકારીથી બહાર ફરતા લોકો સામે કડક વલણ દર્શાવાયું છે. આ અંગે રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે, અમદાવાદમાં ૨૦ નવેમ્બરથી રાત્રે ૯ વાગ્યાથી ૬ વાગ્યા સુધી કરફ્યુ રહેશે. નવી સુચના ન મળે ત્યા સુધી કરફ્યુ લાગુ રહેશે. જોકે શનિ-રવિ ૨ દિવસ સંપૂર્ણ કરફ્યુ રહેશે.

(3:34 pm IST)