ગુજરાત
News of Friday, 20th November 2020

૧૮૦૦ને ઘરે જ આપવા પડયા ઇન્જેકશન

ગંભીર દર્દીઓ માટે પણ અમદાવાદમાં ખાલી નથી બેડ

અમદાવાદ, તા.૨૦: અમદાવાદમાં કોરોના વાયરસના વિસ્ફોટ બાદ કર્ફ્યું લાગુ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળીની સિઝનમાં જામેલી ભીડમાં કોરોના વધતો રહ્યો છે ત્યારે તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હતું. અમદાવાદની મોટી મોટીબજારમાં ખરીદી માટે લોકો નિયમભંગ કરતા રહ્યા અને તંત્રએ કંઈ ધ્યાન ન આપ્યા બાદ હવે વિકેન્ડ કર્ફ્યું લાગુ કરવા જઈ રહ્યા છે. 

અમદાવાદમાં કોરોના વાયરસના કેસ વધતા તંત્ર દ્વારા વારંવાર દાવા કરવામાં આવી રહ્યા છે કે હોસ્પિટલમાં પૂરતા બેડ છે અને ચિંતા કરવાની જરૂર નથી જયારે બીજી તરફ હકીકત તો અલગ  જ ઈશારો કરી રહી છે. 

સ્થિતિ ગંભીર થતા હોસ્પિટલમાં બેડ વધારવાનો લેવાયો નિર્ણય

અમદાવાદમાં હાલત એ હદે ખરાબ થઇ ગઈ છે કે હવે જે દર્દીઓ ગંભીર છે તેમના માટે પણ હોસ્પિટલમાં જગ્યા નથી. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર અમદાવાદમાં ૧૮૦૦ જેટલા ગંભીર દર્દીઓને હોસ્પિટલની જગ્યાએ દ્યરે જ સારવાર આપવામાં આવી. આ દર્દીઓને ઘરે જ આઇસોલેટ કરી રેમેડિસિવિરના ઇન્જેકશન અપાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે. 

અમદાવાદમાં કોરોના વાયરસના જે કેસ સામે આવી રહ્યા છે તેમાં ગંભીર દર્દીઓની સંખ્યામાં વધારો થયો હોવાનું જણાઈ રહ્યું છે અને એવામાં તંત્ર અને સરકાર કોરોનાની સ્થિતિને છુપાવવા માટે ગંભીર દર્દીઓને પણ ઘરે જ સારવાર આપી રહ્યા હોવાનું સૂત્ર પાસેથી જાણવા મળ્યું છે.  અમદાવાદમાં જયાં લોકો એક તરફ લોકો મોતની તરફ ધકેલાઈ રહ્યા છે ત્યારે બીજી તરફ સરકારની આ કામગીરી પર ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે.

(3:37 pm IST)