ગુજરાત
News of Friday, 20th November 2020

લોકો પાસેથી પોલીસે દિવાળી દરમિયાન દંડ ન વસૂલ કર્યો

બેસતા વર્ષના બીજા દિવસે એક પણ કેસ ના નોંધ્યો : કોવિડ-૧૯ના કેસોમાં ખૂબ વધારો થયો છે ત્યારે પોલીસ કોવિડ પ્રોટોકોલના પાલનમાં ઢીલું વલણ દાખવી રહી છે

અમદાવાદ,તા.૨૦ : શહેરના મોટાભાગના વિસ્તારોમાં કોવિડ-૧૯ના કેસોમાં ખૂબ વધારો થયો છે ત્યારે પોલીસ કોવિડ પ્રોટોકોલના પાલનમાં ઢીલું વલણ દાખવી રહી છે. દિવાળીના તહેવારો દરમિયાન કોવિડ પ્રોટોકોલ ભંગના દાખલ થયેલા ગુનાના આંકડા પરથી આ બાબત નોંધી શકાય છે. શહેર પોલીસ પાસેથી મળેલા આંકડા પ્રમાણે, છેલ્લા આઠ દિવસમાં માસ્કનો નિયમ તોડનારા સામે નોંધાતા કેસમાં લગભગ ૯૦ ટકાનો ઘટાડો થયો છે. આટલું જ નહીં શહેર પોલીસે ગુજરાતીઓના બેસતા વર્ષ અને ભાઈબીજ પછીના દિવસે એટલે કે ૧૭ નવેમ્બરે એક પણ કેસ નોંધ્યો નથી. એક વરિષ્ઠ પોલીસકર્મીનું કહેવું છે કે, દિવાળીના તહેવારોના કારણે તેમણે માસ્ક ન પહેરનારાઓ સામે કડક વલણ દાખવ્યું નહોતું. સિનિયર પોલીસકર્મીએ જણાવ્યું, અગિયારસથી શરૂ થયેલા દિવાળીના તહેવારો દરમિયાન અમે નિયમ તોડનારાઓ સામે કડક ના થયા જેથી તેઓ હળવા રહીને પર્વની ઉજવણી કરી શકે.

          દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજે કેસ નોંધવાની સંખ્યામાં ભારે ઘટાડો આવ્યો હતો. અમદાવાદનો લાલ દરવાજા વિસ્તાર જ્યાં તહેવારો દરમિયાન લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટે છે ત્યાં ફરજ બજાવતા એક પોલીસકર્મીએ કહ્યું, માસ્કના નિયમનો ભંગ કરનારા લોકો સામે ગુનો ન નોંધવાનો અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે સુનિશ્ચિત કરવાનો આદેશ તેમને અપાયો હતો. પોલીસકર્મીએ કહ્યું, ભીડભાડવાળા વિસ્તારોમાં અમે વારંવાર જાહેરાત કરતા હતા કે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ ના કરો અને માસ્ક પહેરીને રાખો. પરંતુ અમે અગાઉ પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ અથવા તો ચેપી રોગ ફેલાવા માટે જે પ્રકારે ગુનો નોંધતા હતા તેમ કર્યું નહોતું. સાથે જ માસ્ક ના પહેરનારા પાસેથી ૧૦૦૦ રૂપિયાનો દંડ પણ લીધો નહોતો. ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ ૧૦ ઓગસ્ટથી માસ્ક ના પહેરનારા પાસેથી વસૂલાતો દંડ ૫૦૦થી વધારીને ૧૦૦૦ રૂપિયા કરવામાં આવ્યો હતો. ત્યારથી દિવાળી સુધી પોલીસ રોજના સરેરાશ ૧,૦૦૦ કેસ નોંધતી હતી.

(7:28 pm IST)