ગુજરાત
News of Saturday, 21st November 2020

રાત્રિ કર્ફયુ : લગ્ન, શુભ પ્રસંગોની તૈયારી કરતા પરિવારો ચિંતાતુર

લગ્નસરા ફરીવાર અસરગ્રસ્ત થશે , વર-કન્યા પક્ષ ચિંતાતુરઃ મહેમાનો આવી ગયા,પાર્ટી પ્લોટ -વાડી બુકિંગ, પણ હવે શું કરવું ?

રાજકોટ,તા. ૨૧: કોરોના સંક્રમણમાં વધારો  થવાની ભીતિ સાથે જ સરકારી  તંત્રએ સુરત, વડોદરા, રાજકોટ જેવાં  શહેરોમાં અનિશ્ચિત મુદત માટે  રાત્રિએ ૯થી સવારે ૬ વાગ્યા સુધી  કરફ્યૂની જાહેરાત કરતા  શહેરીજનોમાં હડકંપ મચી ગયો  હતો. ગઇ કાલ સાંજ પછી કરફ્યૂની  વાતે જ ચોમેર ચર્ચાઓ ચાલી હતી.  જેમાં ખાસ કરીને રાત્રિ કરફ્યૂ જાહેર  થતાં લગ્ન, શુભ પ્રસંગોની તૈયારી કરી રહેલા હજારો પરિવારો  મૂંઝવણમાં મુકાઈ ગયા છે. કારણ કે, આગામી અઠવાડિયાથી લગ્નસરા શરૂ થતા હોવાને કારણે મહેમાનો  આવી ગયા હોય, પાર્ટી પ્લોટ-વાડીનું  બુકિંગ થઈ ગયું હોય, કેટરિંગ  સહિતની તૈયારીઓ આટોપી દેવાઈ  હોય ત્યારે હવે શું કરવું એ મુદે ચિંતાનું મોજું ફળી વળ્યું છે.

કોરોના મહામારીને પગલે છેલ્લા આઠ મહિનાથી લગ્ન સહિતનાં શુભ કાર્યો અટવાઈ ગયાં છે. છેલ્લા ત્રણ મહિનામાં લોકડાઉનમાં છૂટછાટો આપવામાં આવતા શુભ પ્રસંગો, વિવિધ આયોજનોની ઝલક દેખાઈ રહી હતી. એટલું જ નહીં, ગત માર્ચ, એપ્રિલ, મે અને જૂનમાં લોકડાઉનને કારણે અટવાયેલા લગ્નો માટે પણ આયોજનો શરૂ થઈ ગયા હતા. અનેક પરિવારજનોએ નવેમ્બર- ડિસેમ્બરમાં દીકરા અને દીકરીનાં લગ્ન લીધાં છે. તે માટે છેલ્લા બે મહિનાથી વિવિધ તૈયારીઓ પણ ચાલી રહી છે. લગ્ન આયોજનોની તૈયારી કરનારા પરિવારજનોએ પાર્ટી પ્લોટ, વાડીથી લઈને કેટરિંગ સુધીની વ્યવસ્થા કરી દીધી હતી. જોકે, સરકારી તંત્ર દ્રારા અમદાવાદ બાદ સુરત, રાજકોટ, વડોદરા શહેરમાં પણ રાત્રિ કરફ્યૂની જાહેરાત કરી દેવાતાં સૌ કોઇ ચિંતામાં મુકાઈ ગયા છે.

ગઇ કાલ સાંજે થયેલી કરફ્યૂની જાહેરાત બાદ હવે શું કરવું એ મુદ્દે વિચારવિમર્શની શરૂઆત કરી દીધી હતી, મહદ અંશે સાંજના સુમારે થતાં લગ્ન આયોજનોમાં રાત્રિએ ૧૧થી ૧ર વાગ્યા સુધીનો સમય નીકળી જાય છે. એવામાં હવે ૯.૦૦ વાગ્યે કરફ્યૂ શરૂ થતો હોય કેવી રીતે આયોજનો આટોપવા એ પ્રશ્ન ઊભો થયો છે. આ સિવાય અનેક પરિવારજનોને ત્યાં લગ્નને કારણે વતનથી મહેમાન આવી ગયા હોય ત્યારે શું કરવું એ ચિંતા લગ્નવાળા ઘરોને સતાવી રહી છે. જયારે કેટરિંગ, પાર્ટી પ્લોટ-વાડી બુકિંગ જેવી તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. ઘણાએ લગ્ન પહેલાં દાંડીયારાસ જેવાં આયોજનો પણ કર્યા છે પરંતુ હવે લગ્ન, શુભ પ્રસંગ મોકૂફ રાખવા, સાદાઈથી પ્રસંગની ઉજવણી કરવી કે પછી આયોજનનો સમય બદલીને સાંજ સુધીમાં લગ્નવિધિ આટોપી લેવી એ મુદ્દે વિચારવિમર્શનો દોર જોવા મળ્યો હતો.

દિવાળી વેકેશનમાં બહારગામ ફરવા ગયેલા શહેરીજનો મુંઝવણમાં

દિવાળી વેકેશનને કારણે અનેક પરિવારજનો બહારગામ, પર્યટન સ્થળોએ ફરવાનું આયોજન કર્યું છે. આ સિવાય હજારો પરિવાર પોતાના વતન ગયા છે. જોકે, રાત્રિ કરફ્યૂની જાહેરાત સાથે જ બહારગામ ફરવા ગયેલા શહેરીજનો મુંઝાયા હતા. સરકારી તંત્ર દ્વારા આ અગે કેટલીક છૂટછાટ આપી હોવાની ચર્ચાઓ ચાલી હતી. તેમ છતા જો રાત્રિના સમયે આવવાનું કે જવાનું થાય તો શું કરવું એ પ્રશ્ર સૌને સતાવી રહ્યો હતો. આ સાથે જ આગામી દિવસોમાં જેઓએ પર્યટન સ્થળોએ ફરવા જવાનું આયોજન કર્યું હોય તેઓ પણ ચિંતાતુર થયા હતા. કારણ કે. કરફયુની આ વિકટ સ્થિતિમાં શું કરવું એ અંગે મુંઝવણ વધી ગઈ હતી.

લગ્ન, શુભ પ્રસંગોમાં છુટછાટ માટે ઇવેન્ટ મેનેજમેન્ટ એસો.ની રજુઆત

રાત્રિ કરફયુની જાહેરાત બાદ લગ્ન, શુભ પ્રસંગોમાં છુટછાટ આપવા માટે ઇવેન્ટ મેનેજમેન્ટ એસોસિયેશને રજૂઆત કરી હતી. તેમને આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ. લોકડાઉનને કારણે ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીને વ્યાપક નુકસાન થયું છે. બે દિવસ પછી લગ્નસરા શરૂ થઇ રહ્યા છે. અનેક આયોજનો થઈ ગયાં છે. મહદ અશે રાત્રિના પ્રસંગોનું આયોજન થઈ યુકયું છે. જોકે. શહેરીજનોના સ્વાસ્થ્યને જોતાં કરફયુના નિણંયને સમર્થન આપીએ છીએ, પરંતુ તે સાથે જ શુભ પ્રસંગોનાં આયોજનોમાં છુટછાટ મળે, ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકો યોગ્ય રીતે કામ કરી શકે એ માટે નિર્ણય લેવામાં આવે એ જરૂરી બની ગયું છે.

(10:09 am IST)