ગુજરાત
News of Saturday, 21st November 2020

ગાંધીનગર જિલ્લામાં દારૂની હેરાફેરી અટકાવવા પોલીસની દોડધામ શરૂ:સે-30 નજીક કારમાંથી 15 લાખથી વધુની કિંમતનો દારૂનો જથ્થો ઝડપવામાં આવ્યો

ગાંધીનગર:શહેર અને જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દોડધામ કરી રહી છે ત્યારે સે-ર૧ પોલીસે સે-૩૦ સર્કલ નજીકથી કારમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે કાર અને દારૂ મળી કુલ ૧પ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબીશન હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.   

રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહયો છે. ત્યારે પોલીસ આવા દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પ્રયત્નો કરી રહી છે. ઠેરઠેર દરોડા કરીને આવા દારૂના જથ્થાને પકડી પણ રહી છે. બુટલેગરો માટે ચિલોડા-હિંમતનગર હાઈવે દારૂની ખેપ માટે ફેવરિટ બની ચુકયો હતો ત્યારે આ હાઈવે ઉપર પોલીસની વોચ વધી જતાં હવે બુટલેગરો અંતરિયાળ માર્ગોનો ઉપયોગ કરી રહયા છે. ગાંધીનગરના સે-૩૦ સર્કલ પાસેથી પણ પોલીસે વિદેશી દારૂની બોટલો સાથે કાર ઝડપી લઈ ૧પ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મળતી વિગતો પ્રમાણે સે-૩૦ સર્કલ પાસે સે-ર૧ પોલીસની ટીમ વાહન ચેકીંગ કરી રહી હતી તે દરમ્યાન કાર નં.જીજે-૧૮-બીજે-૦૫૦૭માં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની પાંચ બોટલો મળી આવી હતી. પોલીસે કારના ચાલક હિતેશ રામજીભાઈ ચૌધરી રહે.પ્લોટ નં.ર૪ સે-૧૯ મુળ ગામ-ડાવોલ, તા.ખેરાલુને ઝડપી લઈ કાર અને દારૂ મળી ૧પ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લઈને પ્રોહીબીશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. 

(5:13 pm IST)