ગુજરાત
News of Thursday, 10th June 2021

અમદાવાદમાં મ્યુકરમાઇકોસીસના ઇન્જેકશનની કાળાબજારી કરનાર સુરેન્દ્રનગરના હિતેશ મકવાણાની ધરપકડ

૪૨ ઇન્જેકશન જપ્ત : અન્ય એક આરોપીની શોધખોળ

રાજકોટ,તા. ૧૦: અમદાવાદમાં કોરોનાની સારવાર માટે વપરાતા રેમડેસીવીર ઈન્જેકશનની કાળાબજારી પછી નવી મહામારી મ્યુકર માઈકોસીસની સારવારમાં વપરાતા ઈન્જેકશનની કાળાબજારી સામે આવી છે. ત્યારે અમરાઈવાડી પોલીસે મ્યુકરમાઈકોસીસના ઈન્જેકશનની કાળાબજારી કરતા ઈસમની ધરપકડ કરીને ૪૨ ઇન્જેકશન કબજે કર્યા છે.

કાળા બજારી કરતો હિતેશ મકવાણા મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે. આ શખ્સ અમદાવાદમાં અમરાઈવાડી વિસ્તારમાં રહે છે અને પોલીસે તેને મ્યુકર માઈકોસીસની બીમારીના ઈન્જેકશનની કાળાબજારી કરતા રંગે હાથ ઝડપી લીધો છે.

ઈસનપુરના વેપારીના મિત્રના સગાને બ્લેક ફંગસની સારવાર રાજકોટમાં ચાલતી હોવાથી આરોપીનો સંપર્ક થયો હતો અને તેણે વેપારીને ૭ લાખ ૯૭ હજાર રૂપિયામાં ૪૨ ઈન્જેકશન વેપારીને આપ્યા હતા. જે ૪૨ ઈન્જેકશનમાંથી ૨૨ ઈન્જેકશન દર્દીને આપવા છતાં દર્દીના સ્વાસ્થ્યમાં સુધારો ન થતા તબિયત વધુ બગડતા વેપારીને શંકા જતા ફરિયાદ નોંધાઈ હતી.

વેપારીએ ફરિયાદ કરતા ઈન્જેકશનનો જથ્થો પરીક્ષણ માટે રવાના કરવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે આરોપીને ઝડપી ઈન્જેકશન રાખવા બાબતે કે વેચાણ કરવા બાબતે પરવાનગી માંગતા તેની પાસે કોઈ આધાર ન જણાતા પોલીસે તેની ધરપકડ કરીને પૂછપરછ કરતાં સામે આવ્યું કે આ ઈન્જેકશન તેના મિત્ર નિતીન ઉર્ફે રાહુલ રાજસ્થાની પાસેથી મેળવ્યા હતા. જેથી આ સમગ્ર મામલે છેતરપિંડીનો ગુનો નોંધી અમરાઈવાડી પોલીસે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપી હિતેશ મકવાણાએ નર્સિંગનો અભ્યાસ કર્યો છે. તેમજ તે છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં રહે છે, ત્યારે આરોપીએ વેપારી સિવાય અન્ય કેટલા લોકોને આ રીતે ઊંચી કિંમતે ઈન્જેકશન વેચ્યા છે અને આપનાર નિતીન રાજસ્થાની અત્યારે કયાં છે તે તમામ દિશામાં પૂછપરછ હાથ ધરી છે.

(11:38 am IST)