ગુજરાત
News of Thursday, 10th June 2021

રાજ્ય વીમા નિગમ સાથે જોડાયેલા કર્મચારીનું કોરોનાને કારણે મૃત્યુ થયું હશે તો આશ્રિતોને 'આજીવન' પેન્શન મળશે

વીમા નિગમ દ્વારા મહત્વની જાહેરાત : કોરોના થયો તેના ૩ મહિના પહેલા રજીસ્ટ્રેશન હોય એ જરૂરી

ગાંધીનગર તા. ૧૦ : કોરોનાને કારણે જીવ ગુમાવનાર કર્મચારી અને રાજ્ય વીમા નિગમ સાથે જોડાયેલા લોકોને પેન્શન અપાશે તેવી જાહેરાત થઇ છે.

આ માટે વિમા કંપનીએ કોવીડ-૧૯ અંતર્ગત રાહત યોજના સંદર્ભે શ્રમિકો માટે અત્યંત વિશેષ લાભ દેવાની જાહેરાત થઇ છે. વીમો લેનાર વ્યકિતઓ - કર્મચારીઓના પરિવારના તમામ આશ્રિત સભ્યોને વીમા કંપનીના ઓનલાઇન પોર્ટલમાં કોવીડના રોગ પહેલા નોંધાયેલ છે, અને બાદ જે કર્મચારીનું કોરોનાને કારણે મૃત્યુ થયું છે તે તમામને માસિક પેન્શનનો મહત્વનો લાભ મળશે. વિમો લેનાર કર્મચારી - વ્યકિતનું કોરોનાને કારણે મૃત્યુ થયું છે, તો તેમના આશ્રિતોને દૈનિક વેતનના ૯૦ ટકાના દરથી દર મહિને પેન્શન જીવનભર અપાશે. આ યોજના ૨૪મી માર્ચથી બે વર્ષ માટે અમલમાં મુકાઇ છે. રાજ્ય વીમા નિગમના રીજીયોનલ ડાયરેકટર અને અધીક કમિશનર શ્રી રાજેશ ગૌતમના જણાવ્યા મુજબ મરનાર વ્યકિત કોરોનાના નિદાન પહેલા ઓછામાં ઓછા ત્રણ મહિના પહેલા વીમા કંપનીના પોર્ટલ ઉપર નોંધાયેલા હોવા જરૂરી છે.

ગુજરાતમાં ૧૭ લાખ આવા નોંધાયેલા વીમા કર્મચારી છે, જેમને રાજ્ય વીમા નિગમ દ્વારા સેવાઓ અપાય છે. ગુજરાતમાં વિમા કંપનીની હોસ્પિટલોને કોરોના મહામારી સામે લડવા માટે કોવીડ સમર્પિત હોસ્પિટલો જાહેર કરાઇ છે.

(11:46 am IST)