ગુજરાત
News of Thursday, 10th June 2021

નડિયાદ તાલુકાના ચલાલીમાં અમદાવાદના વેપારીને ડોલરના બદલામાં પૈસાની લાલચ આપી છેતરપિંડી આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

નડિયાદ:તાલુકાના ચલાલીમાં અમદાવાદના વેપારીને ડોલરના બદલામાં પૈસાની લાલચ આપી છેતરપિંડી કરી હોવાની વધુ એક ઘટના સામે આવી છે. છેલ્લા મહિનામાં એક મોડસ ઓપરેન્ડીથી વિસ્તારમાં ત્રીજીવાર છેતરપિંડીનો બનાવ બનતાં સ્થાનિકો તંત્ર સામે સાશંક બન્યા છે.

મળતી વિગતો અનુસાર અમદાવાદના રાવતચાલમાં રહેતા મહંમહદનવાઝ અન્સારીના કાકાના દિકરા અબ્દુલભાઇના મોબાઇલ ઉપર ત્રણ માસ અગાઉ એક મેસેજ આવ્યો હતો. જેમા ફર્નીચરના કામકાજ કરવા માટે જણાવ્યુ હતુ.જેથી સામેથી ફોન કરતા સામે છેડે વાત કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ મહેશભાઇના નામથી આપી હતી અને તેઓ નડિયાદ તાલુકાના ચલાલી ગામથી વાત કરે છે. વાત આગળ ઘપતા તેઓ જણાવેલ કે અમારે ફર્નીચરનુ કામકાજ કરાવવાનુ છે તમે જગ્યા જોવા માટે આવો,જેથી  મહંમહદનવાઝ અને તેમનો કાકાનો દિકરો અબ્દુલભાઇ ગાડી લઇને ચલાલી ગયા હતા.

ચલાલી પહોચતા ચકલાસી ગેટ પાસે રાજુ નામનો વ્યક્તિ બંને વ્યક્તિઓને લેવા માટે ઉભો હતો. બાદ તેઓ મહેશભાઇના ઘરે લઇ ગયો હતો જ્યા મહેશભાઇએ વિજયભાઇ,નીકેશભાઇ,તેમના કાકા પ્રભાતભાઇ સાથે પરિચય કરાવ્યો હતો. બાદ મકાન બતાવી ફર્નીચર બાબતે વાતચીત કરી હતી. તે દરમિયાન મહેશભાઇએ સસ્તા ભાવમાં પૈસાના બદલામાં ડોલર આપવાની વાત કરી હતી. જોકે ફરિયાદીએ  ફર્નિચરનું કામ કરવાની ના પાડી હતી અને ડોલરમાં રસ દાખવ્યો હતો. પરંતુ મહેશભાઇ વારંવાર ફોન કરી ફર્નિચરનુ કામ કરવા ફોન કરતા હતા.તે   અરસામાં મહંમહદનવાઝ અને તેમના મિત્ર રફીક અહેમદ નડિયાદ ખાતે એક પ્રસંગમાં આવ્યા હતા. તે  સમયે મહેશભાઇનો ફોન આવ્યો હતો અને ફર્નીચરના કામ તથા સસ્તા ભાવે ડોલરની ફરી વાત કરી હતી. હાલના સમયમાં ડોલરનો ભાવ ખૂબ ઊંચે છે તેવું કહી આરોપીએ ફરિયાદીને ફર્નિચરનું કામ કરવા અને રૂપિયા લઈ આવવા માટે રાજી કરી લીધા હોવાની માહિતી મળી છે.

(5:21 pm IST)