ગુજરાત
News of Thursday, 10th June 2021

ધો. ૧૨માં આવ્યા બાદ છાત્રાને ૧૦માં નાપાસ હોવાની જાણ થઈ

શાળાની બેદરકારીથી વિદ્યાર્થી મુસિબતમાં ફસાઈ : ધો.૧૧માં દસમાની માર્કશીટ જોયા વિના પ્રવેશ આપ્યો, બારમાનું ફોર્મ સિસ્ટમમાં સબમિટ ન થતાં મામલો ખુલ્યો

વડોદરા, તા. ૧૦ : આમ તો દસમા ધોરણમાં નાપાસ થનારાને ૧૧મા ધોરણમાં એડમિશન નથી મળતું, પરંતુ એક વિચિત્ર કિસ્સામાં ધો. ૧૦માં ચાર વિષયમાં નાપાસ થયેલી છોકરીને સ્કૂલે ના માત્ર ૧૧મા ધોરણમાં એડમિશન આપી દીધું, પરંતુ તે છેક ૧૨મા ધોરણમાં આવી ત્યાં સુધી છોકરીને તેમજ સ્કૂલને ખબર નહોતી કે તે દસમામાં નાપાસ થઈ છે. આખરે જ્યારે બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાનું શરુ થયું ત્યારે છોકરીનું ફોર્મ સિસ્ટમમાં સબમિટ નહોતું થઈ રહ્યું. જેની તપાસ કરતાં જાણવા મળ્યું કે વિદ્યાર્થિની તો દસમા ધોરણમાં ચાર વિષયમાં નાપાસ છે.

પંચમહાલ જિલ્લાની ઘટનામાં આશા રાઠવા નામની છોકરી હાલોલના અરાડની સ્કૂલમાં દસમા ધોરણ સુધી ભણી હતી. ત્યારબાદ તેણે હાલોલની સરકારી મોડેલ હાઈસ્કૂલમાં ૧૧મા ધોરણમાં એડમિશન લીધું હતું. છોકરીને પોતાને તો ખબર નહોતી કે તે દસમા ધોરણમાં નાપાસ થઈ છે, બીજી તરફ સ્કૂલે પણ કશીય તપાસ કર્યા વિના તેને એડમિશન આપી દીધું હતું, અને તે ૧૧મા બાદ બારમા ધોરણમાં પણ પહોંચી ગઈ હતી.

જોકે, ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાનું ફોર્મ ઓનલાઈન સબમિટ ના થઈ રહ્યું હોવાથી આખોય મામલો પ્રકાશમાં આવ્યો હતો. પંચમહાલના જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. પંચાલે મામલે જણાવ્યું હતું કે, છોકરીની દસમા ધોરણની માર્કશીટમાં પણ સ્પષ્ટ લખેલું છે કે તે ચાર વિષયમાં નાપાસ છે. શક્ય છે કે, જે સ્કૂલમાં તે ભણી હતી તેણે માર્કશીટ આપતી વખતે કદાચ છોકરીને બાબતે જાણ ના કરી હોય.

ધો. ૧૦નું પરિણામ ચેક કર્યા વિના છોકરીને ધો. ૧૧માં એડમિશન આપી દેનારી સ્કૂલને મામલે ખુલાસો કરવા નોટિસ મોકલવામાં આવી છે. આવા કેસ ક્યારેક-ક્યારેક સામે આવતા હોય છે તેમ જણાવતા જિલ્લા શિક્ષણાધિકારીએ કહ્યું હતું કે છોકરીએ પોતાની માર્કશીટ ચેક ના કરી તે પણ નવાઈ ઉપજાવે તેવી બાબત છે. તેમણે એમ પણ કહ્યું હતું કે માર્કશીટમાં ઈન્ટર્નલ અને એક્સટર્નલ એમ બંને માર્ક્સ દર્શાવાયેલા હોય છે. વિદ્યાર્થી જો બંનેમાં પાસ હોય તો તે પાસ ગણાય છે.

કોઈ એક વિષયના ઈન્ટરનલ અને એક્સટર્નલ માર્ક્સનું ટોટલ પાસિંગ માર્ક્સ જેટલું થઈ જતું હોય તો પણ જો એકમાં વિદ્યાર્થીને પાસિંગ માર્ક્સ ના મળતા હોય તો તેને તે વિષયમાં ફેઈલ ગણવામાં આવે છે. કેસમાં પણ વિદ્યાર્થિનીના બોર્ડની પરીક્ષા અને ઈન્ટરનલના ભેગા થઈને પાસિંગ માર્ક્સ થઈ જતા હતા, પરંતુ ચાર વિષયની બોર્ડની પરીક્ષામાં તેને ૨૩થી ઓછા માર્ક્સ મળ્યા હતા. વિદ્યાર્થિનીના પિતા ભાલા રાઠવાએ અંગે જણાવ્યું હતું કે જો તેમને પહેલાથી જાણ કરી દેવાઈ હોત કે તેમની દીકરી દસમા ધોરણમાં નાપાસ થઈ છે તો તેણે ૧૧મા ધોરણમાં એડમિશન લેવાને બદલે દસમા ધોરણની પરીક્ષા ફરી આપી હોત. જોકે, ગફલતને કારણે તેના બે વર્ષ વેડફાઈ ગયા છે.

(7:46 pm IST)