ગુજરાત
News of Thursday, 10th June 2021

અમદાવાદના વસ્ત્રાલ-આદિનાથ નગરમાં 4.78 કરોડના ખર્ચે તૈયાર થયેલ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું પ્રદીપસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ

30 બેડની સુવિધા ધરાવતું સેન્ટર આગામી સમયમાં 100 બેડ ક્ષમતા સાથે સજ્જ થશે: પૂર્વના રહીશો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે

અમદાવાદ:શહેર પૂર્વ વિસ્તાર સ્થિત વસ્ત્રાલ-આદિનાથ નગરમાં 4.78 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવીન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર નગરજનોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરના આગોતરા આયોજન રૂપે તૈયાર થયેલ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અમદાવાદ પૂર્વના રહીશો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે તેવો ભાવ પ્રદિપસિંહે વ્યક્ત કર્યો હતો.

30 બેડની સુવિધાઓથી સજ્જ નવિન કોમ્યુનીટી હેલ્થ સેન્ટર અમદાવાદ શહેર પૂર્વ વિસ્તાર રહીશો માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સમોવડું સાબિત થશે તેમ જણાવી પ્રદિપસિંહ જાડેજાએ આ કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં ગાયનેક, બાળરોગ સહિતના વિવિધ મેડીકલ વિભાગો તેમજ રેડીયોલોજી, લેબ ટેકનીશીયન જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનું જણાવ્યું હતુ

 

આગામી સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી 10 કરોડના ખર્ચે કોમ્યુનીટી હેલ્થ સેન્ટરના પ્રવર્તમાન 30 બેડની ક્ષમતા વધારીને 100 સુધી કરવામાં આવશે તેવી મહત્વની જાહેરાત કરતા પ્રદિપસિંહે કહ્યું કે, 100 બેડની કેપિસીટી ધરાવતી અમદાવાદ પૂર્વ વિસ્તારની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સાબિત થશે. જેનો લાભ અમદાવાદ પૂર્વ વિસ્તારના ગરીબ, શ્રમિક અને મધ્યમ વર્ગીય પરીવારોને મહત્તમ થશે.

આ કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં હાલની સ્થિતિએ ઉપલ્બધ તમામ 30 બેડને ઓક્સિજનની સેન્ટ્રલ લાઇન સાથે ટૂંક સમયમાં જોડવામાં આવશે.હોસ્પિટલ કેમ્પસમાં એક મીની ઓક્સિજન ટેંક પણ પ્રસ્થાપિત કરવામાં આવશે.આજે શુભારંભ થયેલ નવીન કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં આગામી સમયમાં જરૂરિયાત પ્રમાણે તમામ આરોગ્યલક્ષી સુવિધાઓમાં વધારો કરવામાં આવશે અને તમામ જરૂરીયાત સત્વરે પૂર્ણ થાય તે દિશામાં તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવશે.

ગૃહ રાજ્યમંત્રીએ જૂના સંસ્મરણો વાગોળતા કહ્યું કે, 2012માં જ્યારે અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ધારાસભ્ય પદનું સુકાન સંભાળ્યું ત્યારે પૂર્વ વિસ્તારમાં રોડ, રસ્તા, ગટર અને પાણીના કામની સાથે રહીશોની આરોગ્ય સુખાકારીને પણ પ્રાથમિકતા મળે અને સુવિધાઓ ઉપલબ્ધ બને તેવું દિવ્ય સ્વપ્ન જોયું હતું જેના પરિણામો અને મીઠા ફળો હવે મળતા થયા છે.

કોરોનાની બીજી લહેરથી થયેલ અનુભવના આધારે મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના સંકલનથી રાજ્ય સરાકાર દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે રક્ષણાર્થે તમામ આગોતરી તૈયારી હાથ ધરવામાં આવી છે

(10:22 pm IST)