ગુજરાત
News of Friday, 11th June 2021

કયાં નડે છે મંદી કે મોંઘવારી

મનગમતાં ૦૦૦૧ નંબર માટે કાર માલિકે ખર્ચ્યા ૪ લાખ

RTO માં મે-જૂનમાં ગોલ્ડન-સિલ્વર નંબરથી ખાલી રૂ. ૭૨.૪૬ લાખની આવક થઈ : અનલોક શરૂ થતા મનગમતાં નંબર માટે ફરી એકવાર વાહનમાલિકો ધૂમ નાણાં ખર્ચે છે : આ શોખ પાછળ ખર્ચાતા નાણાંને જોઈને એક સવાલ ચોક્કસ થાય આ લોકોને મોંઘવારી કે મંદી કંઈ જ નડતું નથી?

અમદાવાદ,તા.૧૧: લોકો માત્ર વટ પાડવા ખાતર અને શોખ પૂરો કરવા પૈસા સામે જોતા નથી. ગમે તેવી સ્થિતમાં પણ મનગમતી વસ્તુઓ લઈને જ રહે છે. જેનું ઉદાહરણ હાલમાં જ આરટીઓ કચેરીમાં જોવા મળ્યું જયાં મનગમતા નંબર મેળવવા માટે વાહન માલિકો ધૂમ રૂપિયા ખર્ચે છે. ૦૦૧ નંબર મેળવવા માટે એક કાર માલિકે રૂ. ૪,૦૧,૦૦૦ રૂપિયા ખર્ચ્યા છે. એક તરફ એવું કહેવાય છે કે કોરોનાના કારણે મંદી અને ઉપરતી મોંઘવારી માઝા મૂકી છે. પરંતુ નંબરના શોખીન વાહન માલિકોને પોતાના મનપસંદ નંબર મેળવવા માટે લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં જરા પણ ખચકાટ નથી.

ગુજરાતમાં જાન્યુઆરીથી એપ્રિલ સુધી કોરોના મહામારી વકરી હતી. જેના કારણે આરટીઓ કચેરીમાં નંબર શોખિન વાહન માલિકોએ પણ ગોલ્ડન સિલ્વર નંબર મેળવવાનું ટાળ્યું હતું. આંશિક લોકડાઉનમાં વેપારધંધા બંધ હોવાના કારણે કાર માલિકોએ ઓનલાઇન બોલીમાં પણ ભાગ લેવાનું ટાળ્યું હતું. જેના કારણે ૦૦૦૧ નંબર માત્ર રૂ. ૨૫૦૦૦ માં વેચાયો હતો. હવે જયારે કોરોના મહામારીની બીજી લહેર શમી રહી છે અને રાજય સરકારે અનલોકની જાહેરાત કરવાનું શરૃં કર્યું છે ત્યારે ફરી એકવાર નંબર રસીયાઓ આગળ આવ્યા છે.

જેવી રાજય સરકારે અનલોકની જાહેરાત કરતા પ્રતિબંધો હળવા કર્યાં કે ત્યારે જ ૦૦૦૧ નંબરની ઓનલાઈન બોલી પણ રાખવામાં આવી હતી જેમાં કાર માલિકે આ નંબર માટે રૂ. ૪,૦૧,૦૦૦ બોલી લગાવી હતી અને નંબર પોતાના નામે કર્યો હતો.

આ પહેલા જયારે કોરોના કેસો વધ્યા ત્યારે ૦૦૦૭ નંબરને માત્ર રૂ. ૨૫૦૦૦માં આ નંબર વેચાયો હતો. જોકે એક શોખીન વાહન માલિકે રૂ. ૧.૫૯ લાખ ખર્ચીને આ નંબર મેળવી લીધો હતો. ૦૯૯૯ નંબર પણ ગત દિવસોમાં રૂ. ૨૫ હજારમાં ખરીદવામાં આવ્યો હતો. પણ આ વખતે તેના માટે રૂ. ૮૦ હજાર સુધીની બોલી લાગી હતી. તેવી જ રીતે ગત વખતે ૧૧૧૧ નંબર રૂ. ૨૫૦૦૦માં વેચાયો હતો જોકે આ વખતે ઓનલાઈન બોલીમાં આ નંબર માટે રૂ. ૨.૧૭ લાખનો ભાવ બોલાયો હતો. તેવી જ રીતે એક શોખીને ૯૯૯૯ નંબર માટ રૂ. ૭૯ ખર્ચ્યા હતા.

કોરોના લહેર ચરમ પર હતી ત્યારે ડબલ્યુ બી સીરિઝ ખુલી હતી જેમાં માત્ર ૧૨૩ જણાએ ભાગ લીધો હતો જયારે ડબલ્યુ સી સીરિઝ ખુલી ત્યારે ૬૭૯ વાહનમાલિકોએ ઓનલાઇન બોલીમાં ભાગ લીધો હતો.

(10:33 am IST)