ગુજરાત
News of Tuesday, 21st March 2023

વડોદરા:વાહન ચોરીની બેટરી ભંગારના ભાવે વેચવા જતા શખ્સની રંગેહાથે ધરપકડ.

વડોદરા: નવાપુરા પોલીસની ટીમે રિક્ષામાં વાહનોની ચોરીની બેટરી પસ્તીના ભાવે વેચવા જતા શખ્સને ઝડપી પાડી 07 બેટરીઓ કબજે કરી હતી. સાથે આ ચોરીની બેટરી ખરીદનાર પસ્તી ભંગારની દુકાન ધરાવતા સંચાલકની અટકાયત કરી તેની પાસેથી પણ વધુ 03 ચોરીની બેટરી કબજે કરી હતી. નવાપુરા પોલીસ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, આદીલ ઉર્ફે બાટલો ( રહે, બીલાલ કોમ્પલેકસ , નાલબંદવાડા , વાડી ) પોતાની ઓટો રિક્ષામાં ચોરી કરેલ બેટરીઓ લઇને આંબેડકર ચોક પાસેથી પસાર થવાનો છે. જેથી પોલીસે વોચ ગોઠવી બાતમી મુજબની રિક્ષાને ઝડપી પાડી તેમાંથી વાહનોની 07 બેટરીઓ કબજે કરી હતી. અને આ બેટરીઓ નાલંદા પાણીની ટાંકી કલાદર્શન ચાર રસ્તા પાસે આવેલ પસ્તી ભંગારની દુકાનમા વેંચવા માટે જઇ રહ્યો હોવાની કબુલાત કરી હતી. જેથી ઉપરોક્ત સાંઇ પસ્તી ભંડાર નામની દુકામ ખાતે તપાસ કરતા ગોપાલભાઇ છગનભાઇ શાહ ( રહે- નાલંદા પાણીની ટાંકી ,કલાદર્શન ચાર રસ્તા પાસે)ની દુકાનેથી જુદા જુદા વાહનોની વધુ નંગ 03 બેટરીઓ મળી આવી હતી. તેણે   આદીલ ઉર્ફે બાટલો ચોરીની બેટરીઓ પસ્તી ભંગારના ભાવે વેંચી જતો હોવાનું જણાવ્યું હતું. આમ, કુલ બેટરીઓ નંગ-10 જેની કુલ્લે કિ.રૂ. 4400/- નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(6:55 pm IST)