ગુજરાત
News of Tuesday, 21st March 2023

વડોદરા રેલવે સ્ટેશન નજીક રીક્ષા ચાલકો દ્વારા મહિલા મુસાફરની પજવણી કરવામાં આવતા પોલીસ ફરિયાદ.

વડોદરા: રેલ્વે સ્ટેશન પાસે કેટલાક રીક્ષા ચાલક મહિલા મુસાફરોને ડબલ મિનિંગ થાય તેવા શબ્દોનું ઉચ્ચારણ કરતા હોવાની બૂમો ઊઠી છે. જેના ભાગરૂપે સી ટીમએ વોચ ગોઠવી અલકાપુરી કુંજ સોસાયટી પાસે યુવતીઓની પજવણી કરતા આધેડ રીક્ષા ચાલકને ઝડપી પાડ્યો હતો. આ અંગેની વિગત એવી છે કે, સયાજીગંજ પોલીસ મથક હદ વિસ્તારમાં રેલ્વે સ્ટેશન તથા બસ સ્ટેન્ડ આવેલ હોય કેટલાક રીક્ષા ચાલકો મહિલાઓ સાથે બીભત્સ ઇશારા સાથે વર્તન કરતા હોય સયાજીગંજ પોલીસ મથકની સી ટીમએ ગતરોજ વોચ ગોઠવી હતી. તે સમય અલકાપુરી કુંજ સોસાયટી પાસે એક આધેડ રીક્ષા ચાલક આવતી જતી યુવતીઓને જોઈ ચેનચાળા કરતો નજરે ચડ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપી 60 વર્ષીય રફીક મોહમ્મદભાઈ શેખ (રહે- જેતલપુર ગામ, અગ્રવાલ ગેસ્ટ હાઉસ પાછળ) હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપી વિરુદ્ધ જી.પી.એકટ 110 તથા 117 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:56 pm IST)