ગુજરાત
News of Tuesday, 21st March 2023

કોંગ્રેસ ધારાસભ્યના ટોણા પર હાર્દિક પટેલનો પ્રહાર : કહ્યું -મારી સામે દેશદ્રોહ નહીં રાજદ્રોહનો કેસ નોંધાયો

ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું - જેમને કોંગ્રેસ સરદાર નથી માનતી એ સરદારના અમે વંશજ છીએ

ગાંધીનગરઃ વર્ષ 2015માં અનામતની માગણી સાથે પાટીદાર આંદોલનનું નેતૃત્વ કરનાર હાર્દિક પટેલ અગાઉ કોંગ્રેસમાં જોડાયા બાદ હવે ભાજપમાં જોડાયા છે. હાલ તેઓ ભાજપાના ધારાસભ્ય છે. 2015માં ગુજરાતની શાંતિ અને સુરક્ષાને હચમચાવી નાખનારા હાર્દિક પટેલે આજે વિધાનસભામાં રાજ્યના ગૃહ વિભાગની કામગીરીની પ્રશંસા કરી હતી. હાર્દિક પટેલે વિધાનસભા ગૃહમાં કહ્યું કે 22 વર્ષ પહેલા ગુજરાતની શું હાલત હતી. આજે ખુશી એ વાતની છે કે છેલ્લાં પાંચ વર્ષમાં ભાજપા સરકાર વધુ મજબૂત થઈ છે અને ગુજરાતને ટેક્નોલોજીના ક્ષેત્રે એક પગલું આગળ વધાર્યું છે. 

 

હાર્દિક પટેલે ગૃહ વિભાગની પ્રશંસા કરી ત્યાર બાદ કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજ્ય પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે જે લોકો સામે દેશદ્રોહનો કેસ નોંધાયેલો છે, તેઓ આજે દેશભક્તિની વાતો કરે છે. હાર્દિક પટેલે તેમના નિવેદન પર વળતો પ્રહાર કરતાં કહ્યું કે મારી સામે દેશદ્રોહનો નહીં પરંતુ રાજદ્રોહનો કેસ છે, કોંગ્રેસ અમારી દેશભક્તિ કેવી રીતે જાણે. જેમને કોંગ્રેસ સરદાર નથી માનતી એ સરદારના અમે વંશજ છીએ.

 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા પછી પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે મેં રાહુલ ગાંધીને ઘણી વખત કહ્યું કે અહીં તમારે ઉદ્યોગ વિશે અપશબ્દો બોલવા જોઈએ નહીં. તમારે સ્થાનિક મુદ્દાઓ સાથે રાજકારણમાં આગળ વધવું પડશે, તેમણે ક્યારેય તેમ કર્યું નહીં. હા, તમને નેતાઓએ સ્થાનિક મુદ્દાઓની વાત કરવાને બદલે સારી ચિકન સેન્ડવિચ ક્યાં મળે છે તેના વિશે જણાવ્યું હશે.

વ્યક્તિ પોતાની મહેનતથી ઉદ્યોગપતિ બને છે, કોઈ ઉદ્યોગપતિ મહેનત કરતા હોય તો આપણે તેના પર એવું કલંક લગાવી શકીએ નહીં કે સરકાર તેને મદદ કરી રહી છે. તમે દરેક મુદ્દે અદાણી, અંબાણીને ગાળો આપી શકો નહીં. વડા પ્રધાન ગુજરાતના છે તો તેનો ગુસ્સો તમે અદાણી, અંબાણી પર કેમ ઉતારી રહ્યા છો.

(8:51 pm IST)